લોકલમાં શાંતિથી ક્યારે ચડવા મળશે એ તો કહો?

27 February, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવેના પ્રવાસીઓનો સળગતો સવાલ : તેઓ કહે છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળશે ત્યારે અમે ખરા અર્થમાં આનંદિત થઈશું

મુંબઈનાં રેલવે-સ્ટેશનોની કાયાપલટ તો થશે, પણ ટ્રેનમાં શાંતિથી ચડવા ક્યારે મળશે?

લોકલ ટ્રેન મુંબઈની લાઇફલાઇન ગણાય છે અને મુંબઈનો દરેક વર્ગ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો જ હોય છે. જોકે મુંબઈની આ લાઇફલાઇનમાં પીક-અવર્સમાં ચડવું શક્ય હોતું નથી અને પરિણામે પ્રવાસીઓએ જોખમભર્યો પ્રવાસ કરવો પડે છે. મુંબઈનાં ૨૦ લોકલ સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે એનાથી પ્રવાસીઓ રાજી છે, પરંતુ મુંબઈમાં સૌથી વધુ ઉપયોગ લોકલ ટ્રેનનો થાય છે તો ત્યાં પ્રાથમિક સુવિધા પણ રેલવેના પ્રવાસીઓને મળે તો ખરા અર્થમાં આનંદિત થઈશું એવું કહેવું છે મુંબઈ લોકલના હજારો પ્રવાસીઓનું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ ભારતભરનાં ૫૫૩ રેલવે-સ્ટેશનોની કાયાપલટનો અને દેશભરમાં ૧૫૦૦ રોડ ઓવર-અન્ડર બ્રિજનો ભૂમિપૂજન સમારોહ ગઈ કાલે વિડિયો-કૉન્ફરન્સ દ્વારા થયો હતો. ભારતીય રેલવેએ હવે ઍરપોર્ટની જેમ રેલવે-સ્ટેશનો પર સુવિધા પૂરી પાડવા માટે અમૃત ભારત યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. એ પ્રમાણે મહારાષ્ટ્રનાં ૫૬ રેલવે-સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે. આ ૫૬ રેલવે-સ્ટેશનોમાંથી સેન્ટ્રલ રેલવેનાં મુંબઈ વિભાગનાં ૧૨ સ્ટેશનો (ભાયખલા, સૅન્ડહર્સ્ટ રોડ, ચિંચપોકલી, વડાલા રોડ, માટુંગા, કુર્લા, વિદ્યાવિહાર, મુમ્બ્રા, દિવા, શહાડ, ટિટવાલા અને ઇગતપુરીનો સમાવેશ થાય છે)નો અને વેસ્ટર્ન રેલવે પર આઠ સ્ટેશનો (મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી, મલાડ અને પાલઘર)નો પુનર્વિકાસ કરવામાં આવશે. આમ સપનોં કા શહર જેવાં મુંબઈનાં ૨૦ ઉપનગરીય રેલવે-સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. ગઈ કાલે પોતાના ભાષણમાં વડા પ્રધાને રેલવે નાગરિકો માટે મુસાફરીની સરળતાનો મુખ્ય આધાર બની રહી છે એવું કહ્યું હતું. એથી રેલવેના પ્રવાસીઓના કહેવા પ્રમાણે આખું મુંબઈ તો લોકલ ટ્રેનસર્વિસ પર આધારિત છે તો ટ્રેનમાં થતી ભીડ ઓછી કરવા પર પહેલાં નજર નાખવાની જરૂર છે. 

લોકલમાં સહેલાઈથી ચડવા ક્યારે મળશે?
આ સંદર્ભનો સવાલ ઊભો કરતાં રેલ યાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ભારતભરમાં સૌથી વ્યસ્ત અને સૌથી વધુ પ્રવાસીઓની સંખ્યા અને લોકો માટે લાઇફલાઇન મુંબઈ સિટી છે. મોટા ભાગના લોકો અને ટ્રાફિકથી બચવા માગતા હાઈ ક્લાસના લોકો સુધ્ધાં લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. ૨૦ સ્ટેશનોની કાયાપલટ થશે એનું ચોક્કસ સ્વાગત છે, પરંતુ એના કરતાં અનેકગણી જરૂરિયાત મુંબઈના લોકો માટે ટ્રેનની ફ્રીક્વન્સીની છે. મુંબઈનાં સ્ટેશનોએ દર પાંચથી દસ મિનિટમાં ટ્રેન અવેલેબલ હોય છે એટલે પ્રવાસીઓએ સ્ટેશન પર લાંબા સમય સુધી ઊભા રહેવાની જરૂર હોતી નથી. પહેલાં તો પીક-અવર્સમાં ટ્રેનમાં ચડવા મળતું નહોતું અને હવે તો નૉન પીક-અવર્સમાં પણ ચડવા નથી મળતું. હું બપોરના સમયે મલાડથી દાદર આવ્યો ત્યારે આખી ટ્રેન પૅક હતી. વેસ્ટર્ન, સેન્ટ્રલ, હાર્બર, ટ્રાન્સ-હાર્બર મળીને કુલ સાડાત્રણ હજારની આસપાસ સર્વિસ છે અને એની સામે આશરે ૮૫ લાખ પ્રવાસીઓ છે. અત્યાધુનિક સ્ટેશન બને છે, પરંતુ લોકલ ટ્રેનમાં જ પ્રવાસીઓને ચડવા ન મળે એનો શું અર્થ? એથી લોકલ ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની સાથે લોકલ સમયપત્રકનું પાલન થાય એના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.’

એસી સિવાય બીજી કોઈ લોકલમાં ચડી ન શકાય 
દરરોજ બીકેસી જતા મૌલિક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધ્યમ વર્ગના લોકોને એસી લોકલ ટ્રેનનાં ભાડાં પોસાય એમ નથી, પરંતુ એ એકમાત્ર વિકલ્પ છે જેમાં લોકો પીક-અવર્સમાં ઑફિસ જઈ શકે છે. અનેક વખત તો એ સમયે પણ એ ટ્રેનમાં ચડવા નથી મળતું. રેલવે પરિસર વિકસિત કરે એ ખૂબ સારી વાત છે. અમે જીવના જોખમે ટ્રેનમાં ચડીને દરવાજા પર ઊભા રહીને જોખમી પ્રવાસ કરીએ છીએ. આવું ક્યાં સુધી ચાલવાનું?’

દહાણુ-ચર્ચગેટની ટ્રેનોની સંખ્યા વધારો
દહાણુ-વૈતરણા પ્રવાસી સેવા સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાલઘર-દહાણુ બેલ્ટની સૌથી વધુ અવગણના થાય છે. પાલઘર સ્ટેશનને અમૃત યોજના હેઠળ વિકસાવવામાં આવશે એ સારી વાત છે, પરંતુ આ બેલ્ટની અસંખ્ય સમસ્યાઓ છે જે ખૂબ મહત્ત્વની છે. એના પર અનેક વખત માગણી કરી છે, પરંતુ એના પર ધ્યાન અપાતું નથી. આ બેલ્ટ પર ૧૯ સર્વિસ છે અને સ્ટૉપેજ પણ ઓછાં છે. લાંબા અંતરની અને પ્રીમિયમ ટ્રેનો આવતાં દહાણુ-ચર્ચગેટ ટ્રેનને સાઇડમાં કાઢી મુકાય છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરીને મુંબઈ નોકરીએ જતા હોય છે અને એ દરેક પ્રવાસીને સુવિધા નહીં મળે તો એક વખત ચાલશે, પરંતુ ટ્રેનમાં ચડવા મળે અને ટ્રેનોની સંખ્યા વધે એ વધુ મહત્ત્વનું છે.’

 

 

mumbai news mumbai mumbai local train mumbai trains narendra modi