07 December, 2023 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યો હતો
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સકવાર પાસે ગઈ કાલે એક કારનું ટાયર ફાટતાં ટૂ-વ્હીલર સાથે અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જણનાં મોત થયાં હતાં અને પાંચ જણ ઘાયલ થયા હતા.
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પરથી કાર-નંબર એમએચ ૪૭ કે ૫૮૩૪ મુંબઈ તરફ જઈ રહી હતી. એ સમયે કારનું આગળનું ટાયર ફાટતાં કાર કાબૂ બહાર જઈને ગુજરાત લેન પર પલટી મારી ગઈ હતી એટલે ટ્રાફિક જૅમની સમસ્યા થઈ હતી. દરમિયાન સ્પીડમાં આવી રહેલી એમએચ ૦૩ડીઝેડ૫૩૦૫ નંબર ધરાવતું ટૂ-વ્હીલર જોરદાર અથડાતાં એના પર સવાર બન્ને જણનાં મોત થયાં હતાં. મુંબ્રાના ૩૬ વર્ષના ઇરફાન સિદ્દીકી અને ગોવંડીના ૩૦ વર્ષના નવીદ શેખનાં મૃત્યુ થયાં હતાં.
કારમાં સવાર પાંચ મુસાફરોને ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે થોડા સમય માટે હાઇવે પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હોવાથી માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.