11 March, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ૧૯૯૩ના સિરિયલ બૉમ્બબ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટકોના લેન્ડિંગની કથિત મંજૂરી આપવા મામલે બે રિટાયર્ડ એક્સાઇઝ અધિકારીઓને રાહત આપી છે. કોર્ટે ૨૦ વર્ષ પહેલાં બનેલી આ દુર્ઘટના મામલે બન્ને સામે શિસ્તભંગનાં પગલાં લેવાના આદેશ આપ્યા હતા.
ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની ડિવિઝન બેન્ચે શિસ્તભંગની કાર્યવાહીના આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે તેમની સામેના આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. હાઈ કોર્ટે ચોથી માર્ચના ચુકાદામાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગના નિવૃત્ત સુપરિન્ટેન્ડેન્ટ એસ. એમ. પૌડવાલ અને યશવંત લોટાલેને બે મહિનાની અંદર પગાર અને પેન્શન જેવા તમામ લાભ આપવામાં આવશે.
૧૨ માર્ચ ૧૯૯૩ના દિવસે મુંબઈમાં જુદાં-જુદાં સ્થળોએ ૧૨ બૉમ્બબ્લાસ્ટ થયા હતા, જેમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ એક વિશેષ અદાલતે ૧૦૦ લોકોને દોષી ઠેરવ્યા હતા અને ૨૩ને નિર્દોષ જાહેર કર્યા હતા. પૌડવાલ અને લોટાલે પર બૉમ્બબ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો, શસ્ત્રો અને દારૂગોળો ધરાવતા માલસામાનને ઉતરાણની પરમિટ આપવા માટે લાંચ સ્વીકારવાનો આરોપ હતો.
હાઈ કોર્ટે નોંધ્યું હતું કે પૌડવાલ અને લોટાલેને આ કેસમાં કોઈ ફોજદારી સુનાવણીનો સામનો કરવો પડ્યો નથી. તેમની સામે પુરાવા તરીકે માત્ર તપાસ દરમિયાન આરોપીઓએ પોલીસને આપેલાં કથિત કબૂલાતનાં નિવેદનો છે.