અબુ સાલેમની અદાલતને અરજી: હું ક્યારે છૂટીશ એની તારીખ આપો

17 October, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૩ વર્ષથી સજા કાપી રહ્યો છે એટલે જેલમાંથી ક્યારે મુક્તિ થશે એ જાણવા અરજી કરી છે : આજે ફરી સુનાવણી થશે

અબુ સાલેમ

મુંબઈમાં ૧૯૯૩માં કરવામાં આવેલા સિરિયલ બૉમ્બધડાકા અને એક બિલ્ડરની હત્યા કરવાના આરોપસર ગૅન્ગસ્ટર અબુ સાલેમને કોર્ટે આજીવન કારાવાસની સજા કર્યા બાદથી તે છેલ્લાં ૨૩ વર્ષથી જેલમાં છે. અબુ સાલેમને વધુમાં વધુ ૨૫ વર્ષની સજા કરવામાં આવશે એ શરતે પોર્ટુગલે ભારતને સોંપ્યો હતો. ૨૩ વર્ષથી અબુ સાલેમ જેલમાં બંધ છે. શરત મુજબ હવે સજાનાં માત્ર બે જ વર્ષ બાકી છે એટલે અબુ સાલેમે મહારાષ્ટ્રની સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરીને માગણી કરી છે કે જેલના અધિકારી કયા દિવસે મને છોડશે એની તારીખ જાહેર કરે. અરજીમાં અબુ સાલેમે કહ્યું છે કે ૨૦ જુલાઈએ નાશિક જેલના અધિકારીને પત્ર લખ્યો હતો, જેમાં મેં પોતાને ક્યારે જેલમાંથી છોડવામાં આવશે એની માહિતી માગી હતી.

જોકે આ પત્રનો કોઈ જવાબ નથી આપવામાં આવ્યો એટલે કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની આગામી સુનાવણી આજે હાથ ધરવામાં આવશે. આથી કોર્ટ શું કહે છે એના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે મુંબઈના બિલ્ડર પ્રદીપ જૈનની ૧૯૯૫માં હત્યા થઈ હતી એમાં અને એ પહેલાં ૧૯૯૩માં મુંબઈમાં કરવામાં આવેલા સિરિયલ બ્લાસ્ટસ કેસમાં કોર્ટે ૨૦૧૫માં આજીવન કારાવાસની સજા કરી ત્યારથી અબુ સાલેમ જેલમાં છે.

1993 blasts portugal nashik mumbai mumbai news