ઘાટકોપરના તેલના વેપારી સાથે ૧૮ લાખની છેતરપિંડી

18 February, 2023 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કન્ટેનરમાં માલ લોડ કરીને માલ સીલ થયો હોવાના ફોટો અને બીજા જરૂરી ડૉક્યુમેન્ટ્સ વેપારીને મોકલ્યા : પૈસા ટ્રાન્સફર થઈ ગયા પછી તેલ પાછું કાઢી લીધું

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : ઘાટકોપરમાં રહેતા તેલના એક વેપારીએ ૧૯ ટન તેલનો ઑર્ડર ગોરેગામની એક કંપનીને આપ્યો હતો. વેપારીએ રાયગડ ખાતે કન્ટેનર મોકલવાનું કહેતાં આ કંપનીએ કન્ટેનરમાં માલ લોડ કરી વેપારીને માલ સીલ થયો હોવાના ફોટો મોકલ્યા હતા. એની સાથે બીજા જરૂરી ડૉક્યુમેન્ટ્સ પણ મોકલ્યા હતા. એને જોઈને વેપારીએ તરત કંપનીને પેમેન્ટ ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધું હતું. જોકે સામે કંપનીએ છેતરપિંડી કરવાના ઇરાદાથી કન્ટે‌‌નરમાં ભરેલો માલ ખાલી કરાવી દીધો હતો. ત્યારે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યાર બાદ તેણે પંતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 
ઘાટકોપર-વેસ્ટમાં એલબીએસ રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષના પીયૂષ શેઠિયાએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ બીએપી ઍગ્રો નામની ઑઇલ કંપની દ્વારા તેલનો વ્યવસાય કરે છે. આ કંપની ભારતનાં વિવિધ બંદરો પરથી તેલ ખરીદે છે અને પાર્ટીઓને સપ્લાય કરે છે. ૨૭ ઑક્ટોબરે તેમણે ગોરેગામની અલાઇડ ઍન્ડ બિલ્ડકોન નામની કંપની પાસેથી આશરે ૧૯ ટન પામ ઑઇલ ખરીદવાનું નક્કી કર્યું હતું. એ સમયે અલાઇડ ઍન્ડ બિલ્ડકોન કંપનીએ રાયગડના દ્રોણાગિરિમાં ટ્રેલર મોકલવા માટે કહ્યું હતું. એ પછી એ જ દિવસે ટ્રેલર રાયગડ મોકલવામાં આવ્યું હતું. ત્યાં ટ્રેલર જતાં એમાં પામ ઑઇલ ભરવામાં આવ્યું હતું અને એના ફોટો મોકલવામાં આવ્યા હતા. એની સાથે કાંટાની નોટ અને બિલનો ફોટો પણ મોકલીને કંપનીએ પેમેન્ટ કરવાનું કહ્યું હતું. બિલ અને અન્ય ડૉક્યુમેન્ટ્સ જોઈને તરત જ કંપનીને ૧૮ લાખ રૂપિયાનું પેમેન્ટ ઑનલાઇન કર્યું હતું. જોકે સામેની કંપનીએ એ દિવસે તેલ ભરેલું કન્ટેનર મોકલ્યું જ નહોતું. એ પછી ફરિયાદી ગોરેગામ ખાતે કંપનીની ઑફિસમાં ગયો ત્યારે ત્યાંના અધિકારીઓએ કહ્યું કે આજે તેલ ભરેલું ટ્રેલર મોકલવામાં આવશે. જોકે તેમણે ટ્રેલર મોકલ્યું નહોતું. બે-ત્રણ દિવસ પછી ટ્રેલરના ડ્રાઇવરને પૂછતાં તેણે કહ્યું કે પહેલાં ટ્રેલરમાં પામ ઑઇલ ભરવામાં આવ્યું હતું અને પછી બહાર કાઢી નાખવામાં આવ્યું હતું. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વેપારીએ પંતનગર પોલીસ સ્ટેશનમાં અલાઇડ ઍન્ડ બિલ્ડકોન કંપનીનાં ડિરેક્ટરો અર્ચના પાંડે, નીતિન પટેલ અને મનીષ સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.
પંતનગર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમે નોંધી છે. આવતા દિવસોમાં સિનિયર અધિકારીઓની પરમિશન લીધા પછી આરોપીઓને નોટિસ ફટકારવામાં આવશે. એ પછી તેમનાં સ્ટેટમેન્ટ્સ નોંધીને આગળની તપાસ કરવામાં આવશે.’

mumbai news ghatkopar