યાત્રીગણ કૃપયા ધ્યાન દેં, અસુવિધા કે લિએ ખેદ હૈ

30 September, 2024 06:54 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

છઠ્ઠી લાઇનના કામ માટે આજથી વેસ્ટર્ન રેલવેના રામ મંદિર રોડ અને મલાડ સ્ટેશન વચ્ચે ટ્રેનો ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેન કાચબાગતિએ દોડવાની હોવાથી શુક્રવાર સુધીમાં ૧૭૫ લોકલ સર્વિસ રદ કરવાની કરી રેલવેએ જાહેરાત

ટ્રૅક ખસેડવાને લીધે ગઈ કાલે મલાડ સ્ટેશન પાસે ધીમી ગતિએ ચર્ચગેટની દિશામાં જઈ રહેલી ટ્રેન. (તસવીર : સતેજ શિંદે)

આ અઠવાડિયે વેસ્ટર્ન રેલવેમાં છઠ્ઠી લાઇન નાખવાના કામકાજને લીધે આશરે ૧૭૫ જેટલી લોકલ ટ્રેન કૅન્સલ કરવામાં આવશે અને ૪ ઑક્ટોબર સુધી ગોરેગામના રામ મંદિર રોડ અને મલાડ વચ્ચે ચારેય લાઇનો પર લોકલ ટ્રેન ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની કાચબા ગતિએ દોડાવવામાં આવશે. જેમ-જેમ સ્પીડ-લિમિટ વધારવામાં આવશે એમ ટ્રેનોને કૅન્સલ કરવાનું ઓછું કરી દેવાશે. 
આ સિવાય સવારે ગોરેગામ ફાસ્ટ લોકલ ટ્રેનોને રદ કરવામાં આવશે અને મલાડમાં ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ ટ્રેનો પ્લૅટફૉર્મ નંબર-૩ પર આવશે. એને ચોથા પ્લૅટફૉર્મ તરીકે રીનંબર કરવામાં આવ્યું છે.

આ મુદ્દે પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘શનિવારની રાતે ચર્ચગેટ તરફ આવતી ફાસ્ટ લાઇન એટલે કે ચોથી લાઇનનું કટ અને કનેક્ટ કરવાનું કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને ગઈ કાલથી મલાડ રેલવે-સ્ટેશન પર ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લોકલના પ્લૅટફૉર્મ નંબરને બદલી નાખવામાં આવ્યો છે. આજથી પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામકાજ જોરમાં ચાલી રહ્યું હોવાથી ગોરેગામ અને મલાડ વચ્ચે રામ મંદિર રોડ પાસે ચારેય લાઇનો પર ટ્રેનોની સ્પીડ-લિમિટ ઘટાડીને ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની કરી દેવામાં આવી છે. આને કારણે ૧૫૦થી ૧૭૫ ઉપનગરીય ટ્રેન કૅન્સલ કરવામાં આવશે. સ્પીડ-લિમિટ વધારવાનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવશે તથા ૪ ઑક્ટોબર સુધીમાં બ્લૉક પિરિયડ સિવાય ટ્રેનોની પરિસ્થિતિ સામાન્ય થવાની ધારણા છે. ગોરેગામમાં લૂપ સર્વિસ સેક્શન ઉપલબ્ધ નહીં હોવાથી સવારે દોડાવવામાં આવતી ચાર ફાસ્ટ ગોરેગામ લોકલને કૅન્સલ રાખવામાં આવશે.’

આ મુદ્દે વધુ જાણકારી આપતાં પ્રવક્તાએ ઉમેર્યું હતું કે ‘ગોરેગામ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇન બાંધવાનું કામકાજ પૂરું કરવા માટે ગોરેગામમાં અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર અને મલાડમાં અપ અને ડાઉન ફાસ્ટ અને સ્લો લાઇન પર રોજ રાતે ૧૨.૩૦ વાગ્યાથી સવારે ૪.૩૦ વાગ્યા સુધીનો ચાર કલાકનો બ્લૉક રાખવામાં આવશે. આ બ્લૉક સોમવાર અને મંગળવાર એટલે કે ૩૦ સપ્ટેમ્બર અને પહેલી ઑક્ટોબરે રહેશે. આ બ્લૉક વખતે ટ્રેનો ચર્ચગેટથી અંધેરી અને વિરારથી બોરીવલી વચ્ચે દોડાવવામાં આવશે. બ્લૉક સમયગાળા દરમ્યાન અપ અને ડાઉન લાઇન પર મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ દસથી વીસ મિનિટ મોડી દોડશે.

પ્રવાસીઓ આજે આટલું ધ્યાનમાં રાખે

રાતે ૧૧.૨૭ વાગ્યે ચર્ચગેટથી ટ્રેન ઊપડશે જે વિરાર મઘરાત બાદ ૧.૧૫ વાગ્યે પહોંચશે.
ચર્ચગેટથી ટ્રેન રાતે ૧ વાગ્યે ઊપડશે જે અંધેરી સ્ટેશન પર ૧.૩૫ વાગ્યે પહોંચશે.
વિરારથી રાતે ૧૧.૩૦ વાગ્યે ટ્રેન ઊપડશે જે ૧.૧૦ વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
રાતે ૧૨.૧૦ વાગ્યે ટ્રેન બોરીવલીથી ઊપડશે જે ૧.૧૦ વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
ગોરેગામથી રાતે ૧૨.૦૭ વાગ્યે ટ્રેન ઊપડશે જે ૧.૦૨ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

આવતી કાલે શું ધ્યાનમાં રાખશો?

આવતી કાલે વહેલી સવારે ૩.૨૫ વાગ્યે વિરારથી એક વધારાની સ્લો ટ્રેન રવાના થશે જે બોરીવલી ૪.૦૦ વાગ્યે પહોંચશે.
આવતી કાલે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે એક વધારાની સ્લો ટ્રેન બોરીવલીથી ઊપડશે જે ૫.૩૦ વાગ્યે ચર્ચગેટ પહોંચશે.

 

mumbai news mumbai western railway mumbai local train mega block mumbai trains