12 July, 2023 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે માહિમ સ્ટેશને ટ્રેન-બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા પોતાના ભાઈ અનુજને યાદ કરી રહેલાં રૂપા કિલાવાલા (તસવીર : પ્રદીપ ધિવાર)
૧૧ જુલાઈએ સાંજે મુંબઈની લોકલ ટ્રેનોમાં બૉમ્બ ફાટ્યાનાં સત્તર વર્ષ પછી બૉમ્બે હાઈ કોર્ટે હજી સુધી પાંચ દોષીને આપવામાં આવેલા મૃત્યુદંડની પુષ્ટિ પર સુનાવણી શરૂ કરી નથી.
૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ શહેરની લોકલ ટ્રેનોની વેસ્ટર્ન લાઇન પર ૧૫ મિનિટના ગાળામાં જુદા-જુદા લોકેશન પર વિસ્ફોટોની જાણ કરવામાં આવી હતી, જેમાં ૧૮૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પહેલો બૉમ્બ ચર્ચગેટથી બોરીવલી જતી ટ્રેનમાં સાંજે ૬.૨૦ વાગ્યાની આસપાસ ફાટ્યો હતો. એ સમયે ટ્રેન ખાર અને સાંતાક્રુઝ સ્ટેશન વચ્ચે હતી. બાંદરા અને ખાર વચ્ચે લોકલ ટ્રેનમાં એ જ સમયે બીજો બૉમ્બવિસ્ફોટ થયો હતો. ત્યાર પછી જોગેશ્વરી, માહિમ, મીરા રોડ-ભાઈંદર, માટુંગા-માહિમ અને બોરીવલીમાંથી વધુ પાંચ વિસ્ફોટોની જાણ કરવામાં આવી હતી.
૨૦૦૬ અને ૨૦૦૮ની વચ્ચે મહારાષ્ટ્ર એટીએસએ આ કેસના સંબંધમાં ઇન્ડિયન મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનના ૧૩ કથિત સભ્યોની ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૫માં ટ્રાયલ કોર્ટે ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા અને એમાંથી પાંચને ફાંસીની સજા અને અન્ય સાતને આજીવન કેદની સજા ફટકારી હતી. એમાં એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. દોષીઓએ
પણ તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી. જોકે ૨૦૧૫થી હજી સુધી હાઈ કોર્ટે અરજીઓની સુનાવણી કરી નથી.