05 November, 2021 12:21 PM IST | Mumbai | Priti Khuman Thakur
ડિવિઝનલ રેલવે મૅનેજરને મળવા જઈ રહેલા નૅશનલ રેલવે મજદૂર યુનિયનના પદાધિકારીઓ
નાહુર રેલવે સ્ટેશનના બ્રિજ પર મંગળવારે ટિકિટ ચેક કરતી વખતે એક પ્રવાસી ટીસીને જોઈને ભાગવાને કારણે પ્રવાસી પોતે જ પડી ગયો હતો. એથી ગુસ્સે ભરાયેલા અન્ય પ્રવાસીઓને એવું લાગ્યું કે ટીસી ફાઇન વસૂલ કરવા તેની પાછળ દોડ્યો હતો અને તેમણે બુકિંગ ઑફિસમાં ઘૂસીને ટીસીની મારપીટ કરી હતી. આ બનાવ બાદ હવે ફરિયાદ નોંધવામાં આવી છે અને રેલવે પોલીસે તપાસ પણ હાથ ધરી છે.
નાહુરની ઘટનામાં લોકોના રોષનો ભોગ બનનારા કલ્યાણમાં રહેતા અને છેલ્લાં ૧૭ વર્ષથી ફરજ બજાવનાર ટીસી સંદીપ ચિતળેએ ‘મિડ-ડે’ સાથે ભાવુક થઈને વાત કરી હતી કે ‘હું બ્રિજ પર એક પ્રવાસી ટિકિટ વગર હોવાથી તેની પાવતી બનાવતો હતો. એ જોઈને એક પ્રવાસી ભાગીને સીડી પરથી નીચે ઊતરતાં પડ્યો હતો. મને તો જરાય અંદાજ નહોતો કે કોઈ પ્રવાસી મને જોઈને ભાગી રહ્યો છે, પરંતુ અન્ય પ્રવાસીઓને એવું લાગ્યું કે ટીસી તેની પાછળ ભાગ્યો હોવાથી તે પ્રવાસી પડ્યો અને તેને માર લાગ્યો હતો. અચાનક પ્રવાસીઓ અને વધુ પડતી મહિલા પ્રવાસીઓનું મૉબ આવ્યું અને તેમણે મારા પર હુમલો કર્યો હતો. આ વાતથી તો હું બહુ જ આઘાતમાં હતો અને ત્યાર બાદ એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં હું વધુ આઘાતમાં આવી ગયો હતો. હું જ નહીં, મારા ૭૫ વર્ષના પિતા અને ૭૧ વર્ષનાં મમ્મીએ પણ એ જોઈને શરમાઈ ગયાં હતાં અને આઘાતમાં આવી ગયાં હતાં. તેમને વધુ આઘાત એ માટે લાગ્યો કે આ ઘટના મારા સ્વભાવની વિરુદ્ધની છે. મારી છ વર્ષની બાળકીએ પણ વિડિયો જોતાં મને અનેક સવાલો પૂછ્યા ત્યારે મારી આંખ ભરાઈ આવી હતી. એક વિડિયોના કારણે મારું આટલાં વર્ષોનું ઑનેસ્ટ કાર્ય પાણીમાં જતું રહ્યું હોય એવું લાગે છે અને મારો આખો પરિવાર હતાશામાં આવી ગયો છે.’
જોકે ટીસી પોતાની ફરજ બજાવતો હોવાથી અને તેની કોઈ ભૂલ ન હોવા છતાં તેની સાથે અન્યાય થયો હોવાનું કહીને ટીસીઓ દ્વારા આ બનાવનો તીવ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બુધવારે નૅશનલ રેલવે મજદૂર યુનિયનના નેતૃત્વ હેઠળ ડીઆરએમ કાર્યાલય પહોંચી વિરોધ દાખવવામાં આવ્યો હતો અને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની સાથે અનાઉન્સમેન્ટ વિશેની માગણી કરાઈ હતી.
આ વિશે માહિતી આપતા નૅશનલ રેલવે મજદૂર યુનિયનના લીડર આનંદ પાવલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નાહુર રેલવે સ્ટેશનની ઘટનામાં ટીસીનો તો કોઈ વાંક જ નહોતો. બ્રિજ પર ટીસીને જોઈને ડરથી તે ભાગવા લાગ્યો અને પડી ગયો હતો. ટીસી પોતાની ફરજ બજાવી રહ્યો હતો. લોકોએ પણ આ વાત સમજવાની જરૂર છે. જોકે આ ઘટના ખૂબ જ ટીકાદાયક હોવાથી અમે એનો વિરોધ દાખવીએ છીએ. કોરોનાને કારણે પ્રવાસીઓને પ્રવાસ કરવાની અનુમતિ અપાતી ન હોવાથી પ્રવાસીઓ રોષે ભરાયેલા છે, પરંતુ આ બનાવ બાદ હવે રેલવેએ બે ડોઝ લીધેલા પ્રવાસીઓને ૧૪ દિવસ પછી જ પ્રવાસ કરવા મળશે એવું વારંવાર અનાઉન્સમેન્ટ કરવું જોઈએ એવી માગણી અમે ડીઆરએમને કરી છે. એટલું જ નહીં, ટીસીને મારનાર સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરવામાં આવે એવી પણ માગણી અમે આવેદનપત્રમાં કરી છે.’