એક જ દિવસમાં દાદરમાં ટિકિટ વિનાના ૧૬૦૦થી વધુ મુસાફરો પકડાયા : અત્યાર સુધીનો રેકૉર્ડ

03 October, 2023 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫ ટિકિટ-ચેકિંગ સ્ટાફ દાદર સ્ટેશન પર ઊભો રહ્યો હતો

દાદર સ્ટેશનની તસવીર

ટિકિટ વિના મુસાફરી કરનારાઓની વેસ્ટર્ન રેલવેએ તપાસ કરીને શનિવારે એકલા દાદર સ્ટેશન પર એક જ દિવસમાં ૧૬૪૭ મુસાફરોને પકડ્યા હતા. આ ભારતીય રેલવેના કોઈ પણ સ્ટેશન પર ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.

‘ફોર્ટ્રેસ ચેક’ એક ઑપરેશન છે, જેમાં ટિકિટ-ચેકિંગ સ્ટાફ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ્સ પર ટિકિટ વિનાના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેએ ‘મેરા ટિકિટ મેરા ઇમાન’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તેમણે દાદર સ્ટેશને ચેકિંગ કર્યું હતું.

એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘૧૯૫ ટિકિટ-ચેકિંગ સ્ટાફ દાદર સ્ટેશન પર ઊભો રહ્યો હતો અને આખો દિવસ તપાસ ચાલી હતી. એમાં ૧૬૪૭ જેટલા મુસાફરો મળ્યા હતા અને તેમની પાસેથી કુલ ૪.૨૨ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.’

વેસ્ટર્ન રેલવેના દાદરમાં દરરોજ ઍવરેજ ૨૩૦ આવા મામલા સામે આવે છે. ચર્ચગેટથી દહાણુ સુધી ઍવરેજ ૭૬૨ કેસ આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે દાદરમાં પકડાયેલા લોકોની સંખ્યા દરરોજની ઍવરેજ કરતાં આશરે ડબલ હતી. 

dadar western railway mumbai mumbai news mumbai local train