23 December, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૬ વર્ષના મીત વિનોદ જૈન
ખોપોલી પાસે ગઈ કાલે સવારે જૈન સાધ્વીજીઓને વિહાર કરાવવા ગયેલા ૧૬ વર્ષના મીત વિનોદ જૈન નામના વિહારસેવકે ઍક્સિડન્ટમાં જીવ ગુમાવ્યો હતો. મીત સાધ્વીજીઓ સાથે ચાલી રહ્યો હતો ત્યારે એક રિક્ષાએ ટક્કર મારતાં જમીન પર માથાભેર પટકાયો હતો. ગંભીર રીતે ઘવાતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં સમગ્ર જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
શ્રી આદેશ્વર વિહાર સેવા ગ્રુપ શિળફાટા ખોપોલીના ઇન્ચાર્જ જિતેન્દ્ર કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ખોપોલીમાં ચોકથી કલોતા તરફના ચાર કિલોમીટરના વિહાર માટે ચાર સાધ્વીજી ગઈ કાલે સવારે નીકળ્યાં હતાં. તેમની મદદ કરવા માટે બે વિહારસેવકોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ હાઇવે પર પહોંચ્યા બાદ કલોતા નહીં પણ કર્જત જવાનું છે એવું કહ્યું હતું. એ જ સમયે તેરાપંથી સમાજનાં બે સાધ્વીજીને પણ વિહારસેવકની જરૂર હોવાની વિનંતી અમને મળી હતી. આથી અમે ખોપોલીમાં રહેતા વિહારસેવક મીત જૈનને ફોન કરીને બોલાવ્યો હતો. મીત તાત્કાલિક હાઇવે પર આવી ગયો હતો. તે સાધ્વીજી સાથે ચોકથી અડધો કિલોમીટર પહોંચ્યો ત્યારે સાતારા તરફથી આવેલી રિક્ષાએ તેને ટક્કર મારી હતી. મીત માથાભેર જમીન પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. કૉલેજના પહેલા વર્ષમાં ભણતા મીતના પિતાનું ૧૪ વર્ષ પહેલાં અવસાન થયું છે. તેની મમ્મી સેજલ જૈન જૉબ કરે છે. એકનો એક પુત્ર ગુમાવવાથી તેમને ખૂબ આઘાત લાગ્યો છે. મીત ખૂબ ધાર્મિક હતો. તેણે અઢારિયા તપની સાધના કરી હતી અને આવતા વર્ષે ઉપધાન તપ કરવાની ભાવના હતી.’
અકસ્માતની આ ઘટનામાં રિક્ષા પણ ઊંધી વળી ગઈ હતી, જેમાં ડ્રાઇવરને કેટલીક ઈજા પહોંચી હતી. રાયગડની ચોક પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી છે. વિહારસેવક મીત જૈનની આજે સવારના ૧૦ વાગ્યે શિલફાટા જૈન મંદિરના ઉપાશ્રયથી પાલખીયાત્રા કાઢવામાં આવશે.