07 April, 2023 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
ભાઈંદરમાં ૧૩ વર્ષના એક છોકરાએ વિચિત્ર બાબતને લઈને સુસાઇડ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યાં વિચિત્ર વાળ કાપવાના કારણે નારાજ થયેલા ૧૩ વર્ષના છોકરાએ ૧૬મા માળેથી કુદકો મારીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નવઘર પોલીસમાં ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધવામાં આવ્યો છે.
ભાઈંદર-ઈસ્ટના ઇન્દ્રપ્રસ્ત વિસ્તારમાં આવેલા સોનમ ઇન્દ્રપ્રસ્ત બિલ્ડિંગની સી વિંગમાં રહેતા ૧૩ વર્ષના સુનીલે (નામ બદલ્યું છે) ૧૬મા માળેથી કુદકો મારીને આત્મહત્યા કરી હતી. આ ટીનેજરે તેના ઘરના ટૉઇલેટની વિન્ડોમાંથી કુદકો માર્યો હતો. સુનીલ તેની બે મોટી બહેનો અને માતા-પિતા સાથે રહેતો હતો. ગરમી વધવાના કારણે પરિવારે તેને તેના પિતરાઈ ભાઈ સાથે વાળ કપાવવા મોકલ્યો હતો. આ વખતે તેના વાળ નાના કપાયા હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. જોકે ત્યાર બાદ પરિવારના સભ્યોએ તેને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માન્યો નહોતો. જોકે મંગળવારે રાતે તે ગુસ્સામાં ઘરના ટૉઇલેટની વિન્ડોમાંથી નીચે કૂદી પડ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુના કારણે પરિવાર ભારે આઘાતમાં છે.
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૩ વર્ષના ટીનેજરના વાળ કાપીને લાવ્યા બાદ તે ખૂબ ચીડાઈ ગયો હતો. ઘરે આવીને પરિવારજનોને વાળ બરાબર ન કાપ્યા હોવાનું કહીને નારાજ થઈને ટૉઇલેટમાં પોતાને બંધ કરી દીધો હતો. એ બાદ તેણે ત્યાંની વિન્ડોમાંથી કુદકો મારીને જીવ આપ્યો હતો. સુસાઇડ કરવાનું કારણ ખૂબ જ નાનું છે અને ખૂબ નવાઈ પમાડે એવું છે.’