૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી: મુંબઈના આઠ લોકો સામે કેસ

13 September, 2023 01:00 PM IST  |  Mumbai | Anurag Kamble

કરાર મુજબ પ્રોજેક્ટ જૂન ૨૦૨૧ સુધીમાં પૂર્ણ ન થાય તો મૂળ રકમ સાથે ૯૭ કરોડ રૂપિયાનું વળતર એટલે કે ૧૨૭ કરોડ રૂપિયા અને ઓનરશિપ આપવામાં આવશે

વરલી નાકા પરની મ્યુનિસિપલ ટેનામેન્ટ‍્સ ટેનન્ટ્સ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી (તસવીર : શાદાબ ખાન)

એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં આકર્ષક ડીલની લાલચ આપીને ૧૨૭ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ડિરેક્ટરો, ત્રણ રિયલ એસ્ટેટ કંપનીઓ અને એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિત ૮ વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

૨૦૧૯ના મે અને જૂન દરમ્યાન પાર્ટનરશિપ ફર્મ યશ એન્ટરપ્રાઇઝિસ, મહેતા લૅન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સમય એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોએ વરલી નાકા સ્થિત એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે હરિયાણાના બિઝનેસમૅન પવેલ ગર્ગનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયા ફન્ડની માગણી કરી હતી અને પવેલ ગર્ગે શૉર્ટ ટર્મ બેઝ પર ૨૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ૨૦૧૯માં ગર્ગની કંપની કૉમ્બિટિક ગ્લોબલ કૅપલેટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી યશ એન્ટરપ્રાઇઝને ચુકવણી કરવામાં આવી હતી. એ જ વર્ષે વ્યાજ સાથે દેવું ચૂકવવામાં આવ્યું હતું અને કંપનીઓએ ૩૦ કરોડ રૂપિયા માટે ફરીથી ગર્ગનો સંપર્ક કર્યો હતો. આ રકમ ઇમ્પીરિયસ રિયલિટી એલએલપી મારફત ચૂકવવામાં આવી હતી.

આ દરમ્યાન ડિરેક્ટરોએ ગર્ગને જાણ કરી કે મહેતા લૅન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સમય એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના ભાગીદારો ટૂંક સમયમાં યશ એન્ટરપ્રાઇઝ સાથેની ભાગીદારીમાંથી નિવૃત્ત થશે. એ બહાને ઇમ્પીરિયસ રિયલિટી એલએલપી અને યશ એન્ટરપ્રાઇઝ વચ્ચેના કરાર પર એના ભાગીદારો પારસ પોરવાલ અને રોની પોરવાલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર મુજબ પ્રોજેક્ટ જૂન ૨૦૨૧ સુધીમાં પૂર્ણ ન થાય તો મૂળ રકમ સાથે ૯૭ કરોડ રૂપિયાનું વળતર એટલે કે ૧૨૭ કરોડ રૂપિયા અને ઓનરશિપ આપવામાં આવશે.

જોકે યશ એન્ટરપ્રાઇઝિસમાંથી ભાગીદારો નિવૃત ન થયા અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ શરૂ ન થયો. ડિરેક્ટરોએ ઑક્ટોબર ૨૦૨૨ અને મે ૨૦૨૩ વચ્ચે ગર્ગને ૧૨.૭ કરોડ રૂપિયાના ૧૦ ચેક મોકલ્યા હતા, પરંતુ એ બધા બાઉન્સ થયા હતા. ત્યાર બાદ ગર્ગે ૫ સપ્ટેમ્બરે પોલીસમાં એફઆઇઆર કરી હતી.

મહેતા લૅન્ડ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ અને સમય એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજર મહાવીર જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેઓ સંબંધિત લોકોને જાણ કરશે. આરોપી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રકાશ બોહરાની ઑફિસમાં કોઈ સ્ટાફ ન હોવાથી પ્યુન તેમને કેસ વિશે જાણ કરશે. તો દાદરની એક બિલ્ડિંગ કે જેમાં યશ એન્ટરપ્રાઇઝની ઑફિસ હોવી જોઈતી હતી એને તોડી પાડવામાં આવી છે અને એની જગ્યાએ નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે.

સિવિલ લાઇન પોલીસ, સોનીપતના સ્ટેશન હાઉસ ઑફિસર ઇન્સ્પેક્ટર કરમજીત સિંહે જણાવ્યું હતું કે ‘આરોપીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને કોઈ દોષિત સાબિત થશે તો તેની ધરપકડ કરવામાં આવશે.’

worli mumbai mumbai news Crime News mumbai crime news anurag kamble