08 January, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રાફિક-જૅમ થવાથી વાહનોની ૧૨ કિલોમીટર સુધી લાંબી લાઇન લાગી હતી
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ગઈ કાલે સવારના કામણ-નાયગાવ ફ્લાયઓવરની નીચે એક કન્ટેનર ટ્રક બંધ પડી ગઈ હતી. એને લીધે ભારે ટ્રાફિક-જૅમ થવાથી વાહનોની ૧૨ કિલોમીટર સુધી લાંબી લાઇન લાગી હતી. સવારના છ વાગ્યે બંધ પડેલી કન્ટેનર ટ્રકને હટાવવામાં ઘણો સમય લાગ્યો હતો એટલે પહેલાં વિરારથી મુંબઈ તરફનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. કેટલાક વાહનચાલકો રોન્ગ સાઇડમાં મુંબઈ તરફ જવા લાગ્યા હતા એટલે થોડા સમય બાદ સામેની દિશામાં પણ વાહનોનાં પૈડાં થંભી ગયાં હતાં. હાઇવે ટ્રાફિક-પોલીસના જણાવ્યા મુજબ બંધ પડેલા કન્ટેનરને હટાવવામાં અઢીથી ત્રણ કલાક લાગ્યા હતા એટલે સવારના સમયે ત્રણેક કલાક સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.