20 October, 2024 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવાજી પાર્ક મેદાન
ચૂંટણીમાં મરાઠી મતદારોને આકર્ષિત કરવા માટે દાદરમાં આવેલું શિવાજી પાર્ક મેદાન સૌથી ફેવરિટ છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં અહીં સભા કરવા માટે બન્ને શિવસેના, ભારતીય જનતા પાર્ટી (BJP) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ પ્રચારના છેલ્લા રવિવારે એટલે કે ૧૭ નવેમ્બરે જાહેર સભા કરવા માટે ૧૨ અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું. શિવાજી પાર્કમાં સભા કરવા માટે ચારેય પક્ષમાં ભારે રસાકસી જોવા મળી રહી છે એટલે કોને મોકો મળે છે એ જોવું રહ્યું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં ૧૭ નવેમ્બરે જાહેર સભા કરવા માટે ૧૨ અરજી મળી હોવાનું BMCના અધિકારીએ જણાવ્યું હતું. જાહેર સભા કરવા માટેના નિવેદનની સાથે પરવાનગીનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. સરકારનો જવાબ આવ્યા બાદ ૧૭ નવેમ્બરે કયા પક્ષને સભાની મંજૂરી આપવી એનો નિર્ણય નગર વિકાસ વિભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ૧૮ નવેમ્બરના સોમવારે ચૂંટણીના પ્રચારની પડઘમ શાંત થઈ જશે એટલે એના આગલા દિવસે આવતા રવિવારે મતદારોને આકર્ષવા માટે દરેક રાજકીય પક્ષ ભરપૂર પ્રયાસ કરશે. શિવાજી પાર્ક મેદાનનું રાજકીય સભા માટે ખૂબ મહત્ત્વ છે એટલે કૉન્ગ્રેસ અને શરદ પવારની પાર્ટી સિવાયના તમામ રાજકીય પક્ષો અહીં છેલ્લી સભા કરવા માગે છે.