25 March, 2025 06:58 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે યંબકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
નાશિકના ગોદાવરી ઘાટના ડેવલપમેન્ટની સાથે યંબકેશ્વરના કુંડ અને મંદિરના વિકાસ માટે ૧૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી : ૩૦૦ એકરમાં યોજાનારા આ મેળામાં યોગી પૅટર્નનું કરવામાં આવશે અનુકરણ
પ્રયાગરાજના મહાકુંભ બાદ હવે નાશિકમાં ૨૦૨૭માં સિંહસ્થ કુંભમેળો યોજાવાનો છે અને એની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાશિકની મુલાકાત કરીને યંબકેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ કહ્યું હતું કે ‘યંબકેશ્વરના ડેવલપમેન્ટ માટે આજે એક બેઠક કરી હતી. સિંહસ્થ કુંભમેળા માટે અમે જેવી રીતે નાશિકનો વિકાસ કરવાના છીએ એવી જ રીતે યંબકેશ્વરનો વિકાસ પણ કરવામાં આવશે. બે તબક્કામાં કામ થશે. યંબકેશ્વરના કુંડ અને મંદિરના ડેવલપમેન્ટ માટે ૧૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. સિંહસ્થ કુંભમેળા માટે નાશિકમાં ૧૧ પુલ બનાવવામાં આવશે. મોટા પ્રમાણમાં રસ્તા પણ બાંધવામાં આવશે. ઉત્તર પ્રદેશની સરકારે કુંભમેળા માટે જે કાયદા બનાવ્યા હતા એવા કાયદા નાશિકના કુંભમેળા માટે પણ બનાવવામાં આવશે. પ્રયાગરાજની જેમ નાશિકના કુંભમેળામાં પણ મોટા પ્રમાણમાં ગિરદી થવાની શક્યતા છે. એને ધ્યાનમાં રાખીને યોગીની પૅટર્ન મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયલિટી અને ક્રાઉડ મૅનેજમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવશે.’
નાશિક અને મહારાષ્ટ્રના યુવાનો કુંભમેળામાં જોડાય એ માટેની યોજના વિશે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘કુંભમેળાનું આયોજન ટેક્નૉલૉજીના માધ્યમથી કરવામાં આવશે. તમને આ કુંભમેળામાં આસ્થા અને ટેક્નૉલૉજીનું સમન્વય જોવા મળશે. અહીંની પ્રશાસકીય ટીમ સક્ષમ છે. સોંપવામાં આવેલું કામ તેઓ બરાબર રીતે કરી રહ્યા છે. પ્રયાગરાજના મહાકુંભનો અનુભવ જોઈને પ્રયાગરાજના પોલીસ-કર્મચારીઓ સાથે સંવાદ કર્યો છે. પ્રયાગરાજના કુંભમાં ૧૮ કલાક કામ કર્યા બાદ પણ કોઈ ફરિયાદ કરવાને બદલે તેમણે કહ્યું કે કુંભથી કામ કરવાની તાકાત મળી હતી. નાશિક અને મહારાષ્ટ્રના વધુ પ્રમાણમાં યુવાઓ કુંભમેળામાં જોડાય એ માટેના પ્રયાસ કરવામાં આવશે. યુવાઓને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવશે તો તેઓ ખૂબ સારું કામ કરી શકશે એવો વિશ્વાસ છે.’
બે વર્ષ બાદ જ સિંહસ્થ કુંભમેળો છે ત્યારે તૈયારી ધીમી ચાલી રહી છે એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘૨૦૨૦માં કુંભની તૈયારી શરૂ દેવામાં આવી હોત તો અત્યારે મોટા ભાગનું કામ થઈ ગયું હોત. મોડું થયું છે, પણ વિશ્વાસ છે કે અમે પહોંચી વળીશું અને કુંભની શરૂઆત થાય એ પહેલાં બધાં કામ પૂરાં કરી દેવામાં આવશે. નાશિકમાં છેલ્લે ૨૦૧૫માં કુંભના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં કોઈ જાનમાલનું નુકસાન નહોતું થયું. આવી જ રીતે આગામી કુંભમેળાનું આયોજન કરવામાં આવશે. પ્રયાગરાજમાં ૭૫૦૦ હેક્ટર જગ્યામાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે નાશિકમાં માત્ર ૩૦૦ એકર જગ્યામાં જ આયોજન થશે. પ્રયાગરાજના મહાકુંભે ઉત્તર પ્રદેશની ઇકૉનૉમી બદલી નાખી છે.’