સ્વમાન લગ્નની શાનદાર સદી

12 May, 2024 10:34 AM IST  |  Mumbai | Lalit Gala

શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજની અનોખી પહેલનું સોમું આયોજન થયું શુક્રવારે

૧૦૦મા ભામાશા સ્વમાન લગ્નના આયોજન દરમ્યાન શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજ અને સમાજના અગ્રણીઓ દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું.

શ્રી ડોમ્બિવલી કચ્છી વીસા ઓસવાળ (ક.વી.ઓ.) સેવા સમાજ દ્વારા ચાલી રહેલાં ભામાશા સ્વમાન લગ્નનું ૧૦૦મું આયોજન શુક્રવારે ડોમ્બિવલીના હોરાઇઝન હૉલમાં બપોરે કરવામાં આવ્યું હતું. ડોમ્બિવલી અને સમગ્ર મુંબઈમાં વસતા ક.વી.ઓ. જૈન સમાજ માટે આ ૧૦૦મા સ્વમાન લગ્નની ઉજવણી એ એક આનંદનો અવસર હતો.

સ્વમાન લગ્નનો પાયો એ છે કે એમાં જે-તે પરિવારનો લગ્નપ્રસંગ સમૂહમાં નહીં પણ સ્વતંત્ર રીતે ધામધૂમથી ઊજવાય અને એમાં પરિવારનું પૂરું માન જળવાય. પરિવાર પોતાના તરફથી સમાજને ચોક્કસ રકમ આપે અને એ પછી લગ્નમાં થતો તમામ ખર્ચ સમાજ ઉપાડી લે. આશરે સાત વર્ષ પહેલાં શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજ દ્વારા સ્વમાન લગ્નની શરૂઆત થઈ હતી. કોરોનાને કારણે વચ્ચેનાં બે વર્ષ બાદ કરતાં પાંચ વર્ષમાં ૧૦૦ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વમાન લગ્ન વિશે માહિતી આપતાં શ્રી ડોમ્બિવલી ક.વી.ઓ. સેવા સમાજના પ્રમુખ સંજય દેઢિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજે એકદમ કરકસર કરીને લગ્નપ્રસંગ ઊજવીએ તો પણ પાંચ-સાત લાખ રૂપિયાનો ખર્ચ સહેજે થઈ જતો હોય છે. લગ્નખર્ચને પહોંચી વળે એમ ન હોય એવા લોકો માટે દરેક સમાજમાં સમૂહલગ્નોની પ્રથા રહી છે, પણ હવે સમૂહલગ્નના ખર્ચમાં જ સ્વમાન લગ્નનું આયોજન થઈ રહ્યું છે, જેમાં પરિવારજનો સ્વમાનભેર લગ્નપ્રસંગની ઉજવણી કરી શકે અને એ માટે તેમને બહુ મોટો ખર્ચ પણ કરવો પડતો નથી. અમારી સંસ્થા પાસે પોતાનો હૉલ ન હોવા છતાં પણ શ્રી ભાણજી માણેક શાહ (પાસડ) અને અન્ય અનેક દાતાઓના સહયોગથી સામાન્ય માણસને પરવડી શકે એવા વાજબી ખર્ચે સમાજના લોકો માટે સ્વમાન લગ્નનું આયોજન કરી રહી છે. આ આયોજનમાં અમારા કાર્યકરોની ટીમ આ આયોજનને સફળ બનાવવા માટે હંમેશાં ખડેપગે ઊભી રહે છે. આજે સ્વમાન લગ્નમાં ફક્ત કલ્યાણ-ડોમ્બિવલી કે અંબરનાથ અને બદલાપુર સુધીના જ પરિવારો નહીં, મુંબઈ અને વેસ્ટર્ન સબર્બ્સમાં રહેતા પરિવારો પણ ભાગ લઈ રહ્યા છે. પ્રાઇવેટ લગ્નને બદલે સ્વમાન લગ્નમાં જોડાઈને આજે સમાજના લાખો રૂપિયા બચી રહ્યા છે. અમારા આ ૧૦૦મા લગ્નના આયોજનમાં અમે અન્ય સમાજના પ્રતિનિધિઓને પણ આમંત્રણ આપ્યું હતું. કચ્છી જૈન સમાજના અનેક અગ્રણીઓએ અમારા આ આયોજનમાં હાજરી આપી હતી અને સંસ્થાને 
અનેક સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન આપ્યું હતું.’

mumbai news mumbai gujarati community news gujaratis of mumbai