બૅન્ક અને સરકાર સાથે કરી એક કરોડની છેતરપિંડી

11 February, 2024 07:39 AM IST  |  Mumbai | Mehul Jethva

કોટક મહિન્દ્ર બૅન્કના ઑપરેશન અધિકારી સહિત ૧૦ લોકોએ લોન પાસ થયા પછી રાજ્ય સરકારને ભરવામાં આવતી સ્ટૅમ્પ-ડ્યુટીની રકમ પોતાના અકાઉન્ટમાં સેરવી લીધી

પ્રતીકાત્મક તસવીર

કોટક મહિન્દ્ર બૅન્કના ઑપરેશન અધિકારી સહિત ૧૦ લોકોએ મળીને લોન પાસ થયા બાદ રાજ્ય સરકારને ભરવામાં આવતી સ્ટૅમ્પ-ડ્યુટીની ૧.૦૨ કરોડ રૂપિયાની રકમ પોતાના અકાઉન્ટમાં સેરવી લીધી હતી. બૅન્કના વિજિલન્સ વિભાગ પાસે મામલો જતાં તેમણે તપાસ કરી ત્યારે આ ઘટના બહાર આવી હતી. એમાં બૅન્કમાંથી લોન લેનારા આશરે ૨૪૬ ગ્રાહકોની સ્ટૅમ્પ-ડ્યુટીના પૈસા પડાવી લીધા હોવાની માહિતી બૅન્કને મળી હતી. અંતે બૅન્કે વાકોલા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ કરી હતી.

બોરીવલી-વેસ્ટમાં સત્યાનગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને કોટક મહિન્દ્ર બૅન્કના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ૪૫ વર્ષના દીપક મહેરાએ કરેલી ફરિયાદ અનુસાર કોટક મહિન્દ્ર (વર્કિંગ કૅપિટલ) બૅન્ક નાના અને મોટા ઉદ્યોગોને એમની જરૂરિયાતો અનુસાર લોન આપે છે. એની હેડ ઑફિસ સાંતાક્રુઝ ઍડમાસ પ્લાઝામાં છે. એપ્રિલ ૨૦૨૨થી જૂન ૨૦૨૩ સુધીમાં ૨૪૬ લોન-કેસ મંજૂર કરવામાં આવ્યા હતા. લોન મંજૂર કર્યા પછી મહારાષ્ટ્ર સરકારની સ્ટૅમ્પ-ડ્યુટી બૅન્ક ખાતા દ્વારા ચૂકવવાની રહેતી હતી, જે રકમ લોન આપનાર અધિકારી તેમના અંગત ખાતામાં જમા કરાવતા હતા. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારને ઉપરોક્ત સ્ટૅમ્પ-ડ્યુટી ચૂકવ્યા વિના ગ્રાહકોની લોન સેટલમેન્ટમાં નકલી ચલાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નકલી ચલાનના આધારે એવું જોવામાં આવ્યું હતું કે ગ્રાહકોને લોન આપવામાં આવી રહી છે. આવી ફરિયાદ મળ્યા બાદ આ ઘટનાની માહિતી બૅન્કના વિજિલન્સ વિભાગના ધ્યાન પર લાવવામાં આવી હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે કુલ ૨૪૬ કેસમાં ગ્રાહકોને આપવામાં આવેલી વિવિધ લોનના દસ્તાવેજો પૈકી સરકારને ચૂકવવાપાત્ર સ્ટૅમ્પ-ડ્યુટી ચાર્જિસની ૧,૦૨,૦૩,૪૫૨ રૂ​પિયાની રકમ મહારાષ્ટ્રની મુંબઈની વિવિધ કોટક મહિન્દ્ર બૅન્કમાં કામ કરતા રેહાન કાસુ, રાજેશ ઉદયાર અને અન્ય આઠ બૅન્ક-કર્મચારીઓએ તેમનાં અંગત બૅન્ક-ખાતાંઓમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. આમાંની રકમ મહારાષ્ટ્ર સરકારને ચૂકવવામાં આવી નહોતી. અંતે બૅન્કે રેહાન કાસુ, રાજેશ ઉદયાર, નિખિલ જયસ્વાલ, મંગેશ રાઉત, નીતેશ જાધવ, સ્વપ્નિલ કાંબળે, રોશન વારે, દીપેશ ધુર્યે, પ્રશાંત કેળી અને જિગર દેસાઈ સામે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.

વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રકાશ ખાંડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૅન્ક પાસેથી મળેલી માહિતીના આધારે તેમના અધિકારીઓએ બૅન્કના લૂપ હોલ્સ શોધીને એના આધારે બોગસ સ્ટૅમ્પ-ડ્યુટીની રસીદો તૈયાર કરી છેતરપિંડી કરી હતી. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જોકે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai vakola mumbai crime news