03 October, 2023 11:10 AM IST | Mumbai | Priti Khuman Thakur
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુમાં સ્ટ્રીટલાઇટ બેસાડવા માટે ૮૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મેળવી આપવાના નામે ગોરેગામમાં રહેતા એક ગુજરાતી વેપારી સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કેસ નોંધી તપાસ કરીને આરોપીની શોધ કરી રહી છે.
ગોરેગામમાં રહેતા વેપારી ભૂપેશ સોલંકી વસઈ-ઈસ્ટમાં એલઈડી લૅમ્પ બનાવવાની ફૅક્ટરી ધરાવે છે. તામિલનાડુમાં રહેતા બે જણ રાજન કન્નન અને ફ્રાન્સિસ જોસેફે તેમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તામિલનાડુ સરકાર રાજ્યમાં સ્ટ્રીટલાઇટ લગાવવા માગે છે અને એ માટે ૮૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ અપાવી દઈશું. તેઓ તામિલનાડુ સરકારમાં ઓળખ ધરાવતા હોવાનું પણ કહ્યું હતું અને વિશ્વાસમાં આવી જવાય એવી અનેક પ્રકારની વાતો કરી હતી.
આરોપીઓએ ૫૭ કરોડ ૨૦ લાખ રૂપિયાના નકલી ટેન્ડર દસ્તાવેજો પણ ભૂપેશ સોલંકીને મોકલ્યા હતા. એથી ભૂપેશ સોલંકીને તેમના પર વિશ્વાસ બેઠો હતો. તેણે બન્ને આરોપીઓનાં બૅન્ક-અકાઉન્ટમાં એક કરોડ ૨૧ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ વેપારીને કોઈ કામ મળ્યું નહોતું. એથી વેપારીએ તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આ બધું બનાવટી હતું. એથી તેમણે વાલિવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બન્ને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસનું શું કહેવું છે?
વાલિવ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ આહીરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ફરિયાદના આધારે અમે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ બન્ને આરોપીઓએ બનાવટી દસ્તાવેજો બનાવીને ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને પોલીસ આરોપીને શોધી રહી છે. તામિલનાડુમાં પણ અમે પત્ર મોકલ્યો છે અને બૅન્કની પણ માહિતી મગાવી છે. આ કેસ રવિવારે જ દાખલ થયો હોવાથી અને કેસની તપાસ ચાલી રહી હોવાથી આરોપી સતર્ક થશે એટલે વધુ માહિતી આપી શકાશે નહીં.’