23 May, 2024 11:49 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પુણેમાં થયેલા અકસ્માત બાદ પોર્શ કારની ફાઇલ તસવીર
પુણે પૉર્શ કાર કેસ (Pune Porsche Accident) સામે વધી રહેલા તીવ્ર વિરોધને લઈને હવે પુણે પોલીસની સાથે પુણે પ્રશાસન પણ આ મામલે કાર્યવાહી કરવા માટે દોડતું થઈ ગયું છે. આ મામલે પુણે મહાનગર પાલિકા (PMC) દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા રૂફટોપ પબ તેમજ રેસ્ટોરાં અને ક્લબને સામે બુલડોઝર એક્શન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પુણે મહાનગર પાલિકાના આ બુલડોઝર એક્શનમાં અત્યાર સુધી પુણે શહેરના 54 ગેરકાયદેસર રેસ્ટોરન્ટ-પબ્સ અને ક્લબ્સ સામે કાર્યવાહી કરી તેમને તોડી પાડવામાં આવ્યા છે.
પુણે મહાનગર પાલિકા (Pune Porsche Accident) દ્વારા ચાલી રહેલા બુલડોઝર એક્શન બાબતે એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે પૂણે શહેરમાં પરવાનગી વિના ચાલી રહેલા કેટલાક રેસ્ટોરન્ટ અને રૂફટોપ પબ સામે કાર્યવાહી કરી તેને તોડી પાડવામાં આવ્યા છે. પુણે પોર્શ કાર કેસના સગીર આરોપીએ જે કલ્યાણી નગરના પબમાં બેસીને પાર્ટી કર્યા બાદ નશામાં તેની પોર્શ સ્પોર્ટ્સ કાર વડે અકસ્માત કરીને બે એન્જિનિયર યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા તે પબ સહિત વિસ્તારોના બીજા અનેક ગેરકાયદેસર રીતે ચાલતા રૂફટોપ પબ તેમજ રેસ્ટોરન્ટ અને અન્ય ક્લબ સામે કાર્યવાહી કરી બુલડોઝર વડે તેને તોડી પાડવામાં આવ્યા છે.
પુણે મહાનગર પાલિકાએ આપેલી માહિતી મુજબ શહેરના કલ્યાણી નગર ઉપરાંત મુંધવા, કોરેગાંવ પાર્ક, ઘોરપડી અને વિમાન નગર જેવા વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર પબ્સ અને બાર (Pune Porsche Accident) સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહેવાની છે. આ મામલે અધિકારીએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા પરવાનગી વિના શેડ લગાવીને ચાલતી કેટલીક રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે.તેમ જ શહેરની 54 હોટેલો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ હોટેલોમાંથી ત્રણ જાણીતી અને સ્થાપિત હોટલો પણ છે. તેમ જ ભવિષ્યમાં પણ કોઈ બીજા ગેરકાયદેસર બાંધકામો સામે આ પ્રકારે જ બુલડોઝર કાર્યવાહી ચાલું રહેશે, એવી પણ માહિતી એક અધિકારીએ કહ્યું હતું.
તમને જણાવવાનું કે અદાલતે પુણે પોર્શ કાર અકસ્માતમાં (Pune Porsche Accident) બુધવારે સગીર આરોપીના જામીન રદ કર્યા હતા. તેમ જ તેને બાલ સુધાર ગૃહમાં મોકલવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો. આ કેસની કાર્યવાહી કરતાં અગાઉ, પુણે પોલીસે સગીર આરોપીના બિલ્ડર પિતાની પણ ધરપકડ કરી હતી. આ મામલે બિલ્ડરને કોર્ટે 24 મે સુધી પોલીસ રિમાન્ડમાં મોકલ્યો છે. પુણે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અદાલતે સગીર આરોપીને 5 જૂન સુધી બાળ સુધાર ગૃહમાં મોકલવાનો આદેશ જાહેર કર્યો હતો. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે સગીર આરોપી પર એક પુખ્ત તરીકે કેસ થવો જોઈએ. જે માટે પોલીસ દ્વારા હાઈ કોર્ટ પાસે પરવાનગી પણ માગવામાં આવી છે.