ઍરપોર્ટ ફ્લાયઓવર અંતે ઓપન થશે

09 March, 2024 01:45 PM IST  |  Mumbai | Ranjeet Jadhav

ફ્લાયઓવરના કાર્યમાં વિલંબ અને અનેક ડેડલાઇન વટાવ્યા બાદ આજે અથવા રવિવારે ઉદ્ઘાટન થશે

ફ્લાયઓવર પ્રોજેક્ટનું કન્સ્ટ્રક્શન જૂન ૨૦૨૧માં શરૂ થયું હતું (તસવીર : નિમેશ દવે)

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે દ્વારા ઍરપોર્ટ ટર્મિનલ-૨ (T2)થી બાંદરા સુધી મુસાફરી કરતા વાહનચાલકો માટે ગુડ ન્યુઝ છે કે અંતે તેઓ નવા ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી આજે અથવા રવિવારે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવાની યોજના ધરાવે છે. આદિત્ય ઠાકરેએ શુક્રવારે ફરી એક વાર ધ્યાન દોર્યું હતું કે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન ત્રણ અઠવાડિયાંથી બાકી છે.

આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે ‘કોસ્ટલ રોડ ૧૯ ફેબ્રુઆરીથી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે અને શનિવારે આંશિક રીતે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ દર્શાવે છે કે બીજેપી કેવી રીતે વીઆઇપી કલ્ચરને પ્રોત્સાહન આપતી આવી છે અને તેમણે ન કરેલા કાર્ય માટે ક્રેડિટ લઈ રહી છે.’

એમએમઆરડીએનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ઍરપોર્ટ ફ્લાયઓવરને આખરી ઓપ આપવાનું કામ શુક્રવારે મોડી રાત સુધીમાં પૂર્ણ થઈ જશે અને શનિવારે સાંજે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન થવાની ધારણા છે.

આ T2 ફ્લાયઓવર ૧૫ ફેબ્રુઆરીએ શરૂ થવાની અપેક્ષા હતી, પણ અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ફ્લાયઓવરને આખરી ઓપ અપાયા બાદ એ લોકો માટે ખોલવામાં આવશે. જૂન ૨૦૨૧માં ૪૮.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે ૭૯૦ મીટર લાંબા પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. ડોમેસ્ટિક ઍરપોર્ટ ફ્લાયઓવરને અડીને આવેલા નવા ફ્લાયઓવરના ખૂલવાથી વાહનચાલકો સિગ્નલને બાયપાસ કરી શકશે. જોકે અમુક મોટરિસ્ટોએ ફ્લાયઓવર ખૂલી ગયા બાદ ટ્રાફિક જૅમ થવા વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

western express highway mumbai airport mumbai traffic mumbai mumbai news ranjeet jadhav