Year Ender 2022: યુદ્ધ, વિરોધ પ્રદર્શન અને સંકટ વચ્ચે ચર્ચામાં રહ્યાં આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ

31 December, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અર્થશાસ્ત્રથી લઈને યુદ્ધ સુધી તેમજ હિંસા અને ઉત્પીડનથી સંબંધિત ઘણા સમાચારોએ વિશ્વભરમાંથી હેડલાઈન્સ બનાવી છે. પછી તે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હોય, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હોય કે પછી શ્રીલંકામાં આર્થિક સંકટ હોય.

યુદ્ધ, વિરોધ પ્રદર્શન અને સંકટ વચ્ચે ચર્ચામાં રહ્યાં આ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ

વર્ષ 2022 આપણા બધાને વિદાય આપવા જઈ રહ્યું છે અને 2023 નવી સંભાવનાઓ, ખુશીઓ અને આશાઓ સાથે જીવનમાં પ્રવેશવાનું છે. વર્ષ 2022ની વાત કરીએ તો કેટલાક લોકો માટે આ વર્ષ રોલરકોસ્ટર જેવું હતું, જ્યારે કેટલાક માટે તેનો અલગ અર્થ હતો. અર્થશાસ્ત્રથી લઈને યુદ્ધ સુધી તેમજ હિંસા અને ઉત્પીડનથી સંબંધિત ઘણા સમાચારોએ વિશ્વભરમાંથી હેડલાઈન્સ બનાવી છે. પછી તે ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હોય, અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હોય કે પછી શ્રીલંકામાં આર્થિક સંકટ હોય. એવા મુદ્દા વિશે જાણીએ જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા હતા. 

રશિયા યુક્રેન યુદ્ધ

વર્ષ 2022, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. 24 ફેબ્રુઆરી 2022 ના રોજ, રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. રશિયાના હુમલામાં યુક્રેનના ઘણા શહેરો ખરાબ રીતે બરબાદ થઈ ગયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતનું વલણ સ્પષ્ટ છે. જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાની ટીકા કરતો પ્રસ્તાવ આવ્યો છે ત્યારે ભારત તેને ટાળતું રહ્યું છે. આટલું જ નહીં, ભારત સરકારે એક પણ વખત રશિયાનો ઉલ્લેખ કર્યો નથી, સાથે જ રશિયા પર લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને લઈને પણ ભારતે આનાકાની કરી છે. 

ઈરાનમાં હિજાબનો વિરોધ
મહસા અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થયા હતા. 22 વર્ષીય અમીનીની મોરાલિટી પોલીસે 13 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. તેણી પર હિજાબના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. અમીનીના મૃત્યુ બાદ, પ્રદર્શનો 140 શહેરો અને નગરોમાં ફેલાઈ ગયા. હિજાબ વિરોધી વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને ઈસ્લામિક રિપબ્લિક માટે કટોકટી એક પડકાર બની ગઈ. આ દરમિયાન કેટલાક દેખાવકારો માર્યા ગયા તો હજારો દેખાવકારોની અટકાયત પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Year Ender 2022: આ પ્રખ્યાત હસ્તીઓએ બોલવામાં બાફ્યુ અને સર્જાયો વિવાદ

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અમેરિકી દળોની હકાલપટ્ટી બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. તે પછી અફઘાનિસ્તાનમાં શરૂ થયેલો હિજરતનો કાળ આજે પણ ચાલુ છે. વર્ષ 2022માં સમગ્ર વિશ્વના લોકોની નજર અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પર હતી. જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા છે ત્યારથી અફઘાનવાસીઓની હાલત દયનીય છે. આર્થિક પરિસ્થિતિ ભયંકર છે, કુપોષણનો દર વધી રહ્યો છે, મહિલાઓના અધિકારો છીનવાઈ રહ્યા છે, સ્થળાંતર અને આંતરિક વિસ્થાપન ચાલુ છે. 

શ્રીલંકામાં આર્થિક કટોકટી
વર્ષ 2022માં શ્રીલંકા આર્થિક સંકટના ગંભીર તબક્કામાંથી પસાર થયું હતું. જૂન 2022 માં તત્કાલીન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સંસદમાં જણાવ્યું હતું કે અર્થતંત્ર પડી ભાંગ્યું હતું, જેના કારણે દેશ આવશ્યક ચીજવસ્તુઓ માટે ચૂકવણી કરવામાં અસમર્થ હતો. આ પછી શ્રીલંકામાં ભારે વિરોધ થયો હતો. 

આ પણ વાંચો: Year Ender 2022: ગુજરાતની આ ઐતિહાસિક ઘટનાઓ બની ચર્ચાનું કેન્દ્ર

કેનેડાની નવી ઇમિગ્રેશન નીતિ
કેનેડામાં નવી ઇમિગ્રેશન પોલિસી બાદ દેશમાં કામદારોની અછત દૂર થશે. કેનેડા દેશમાં પ્રવેશતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં મોટો વધારો કરવાની યોજના ધરાવે છે. નવા લક્ષ્યાંક મુજબ કેનેડા 2025 સુધીમાં દર વર્ષે 5 લાખ ઇમિગ્રન્ટ્સને આવકારશે. આ નીતિ પાછળનું સૌથી મોટું કારણ કામદારોની ભારે અછત છે. નવી ઇમિગ્રેશન નીતિ દેશમાં જરૂરી કાર્ય કૌશલ્ય અને અનુભવ સાથે વધુ કાયમી રહેવાસીઓને પ્રવેશ આપવા પર વધુ ભાર મૂકે છે. 

 

world news international news russia ukraine iran afghanistan taliban