નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે જિનપિંગ અને પુતિને સંકલ્પ કર્યો

23 March, 2023 11:02 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

યુક્રેનના યુદ્ધનો અંત લાવવા રશિયાતરફી યુદ્ધવિરામ કરાવવાના પ્રયાસમાં ચીનના પ્રેસિડન્ટને સફળતા મળી હોવાના કોઈ સંકેત નથી

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ચીનના આ નેતા ગઈ કાલે મૉસ્કોમાંથી રવાના થયા હતા. જોકે તેમની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે યુક્રેનના યુદ્ધમાં પુતિનને સીધો સપોર્ટ આપવાની વાત કરી નથી. 

જિનપિંગે પશ્ચિમી દેશોની ​વિરુદ્ધ પુતિનને સપોર્ટ રજૂ કર્યો હતો, પરંતુ તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો ખાસ ઉલ્લેખ કર્યો નથી. યુક્રેનના યુદ્ધનો અંત લાવવા રશિયા તરફી યુદ્ધવિરામ કરાવવાના પ્રયાસમાં જિનપિંગને કોઈ સફળતા મળી હોવાના કોઈ સંકેત નથી. 

જિનપિંગે ગઈ કાલે પુતિનને જણાવ્યું હતું કે ‘હવે પરિવર્તન થઈ રહ્યું છે કે જે છેલ્લાં ૧૦૦ વર્ષમાં થયું નથી. જ્યારે આપણે સાથે છીએ ત્યારે આપણે એ પરિવર્તન લાવીશું.’ જેના જવાબમાં પુતિને કહ્યું કે ‘હું સંમત છું.’ જિનપિંગ અને પુતિનની મીટિંગ વિશે અમેરિકાએ જણાવ્યું હતું કે ચીનનું વલણ તટસ્થ નથી. અમેરિકાએ ચીનને યુક્રેનની ભૂમિ પરથી દળોને પાછા ખેંચી લેવા માટે રશિયા પર પ્રેશર કરવા માટે વિનંતી કરી હતી, જેથી બીજા વિશ્વ યુદ્ધ બાદ યુરોપની આ સૌથી મોટી કટોકટીનો અંત આવે. 

international news china xi jinping vladimir putin ukraine russia moscow