06 November, 2024 08:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
US Election Result 2024: અમેરિકા ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્નના નેતાઓ વધામણી આપી રહ્યા છે. બેન્જામિન નેતન્યાહૂ અને ઝેલેન્સકીએ પણ વધામણી આપી છે.
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જોરદાર જીત નોંધાવી છે. જીત બાદ પોતાના પ્રથમ ભાષણમાં તેમણે પોતાના દેશવાસીઓનો આભાર માન્યો અને કહ્યું, "અમેરિકનો, તમારો આભાર. અમે અશક્યને શક્ય બનાવ્યું છે." આ વિજયને "અમેરિકન લોકો માટે વિજય" ગણાવતા ટ્રમ્પે સેનેટ પર નિયંત્રણ મેળવી લેવાનો દાવો કર્યો હતો.
તેમના ભાષણમાં, તેમણે એક નવા યુગ વિશે વાત કરી, જેને તેમણે "અમેરિકાનો સુવર્ણ યુગ" તરીકે ઓળખાવ્યો. ટ્રમ્પે કહ્યું કે આ જીત અમેરિકાને ફરીથી મહાન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ અમેરિકાના ભવિષ્ય માટે, તેમના દેશવાસીઓના પરિવારોની સુરક્ષા અને તેમના સપનાઓ માટે પ્રતિબદ્ધ રહેશે.
યુદ્ધગ્રસ્ત દેશના નેતાઓએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ વિશ્વભરના નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે. આમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ સૌથી પહેલા ટ્વીટ કરીને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પ્રભાવશાળી ચૂંટણી જીત પર અભિનંદન. મને સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની અમારી અદ્ભુત મુલાકાત યાદ છે, જ્યારે અમે યુક્રેન-યુએસ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી હતી. અમારી વાટાઘાટોમાં મોટાભાગે વ્યૂહાત્મક ભાગીદારી, વિજય આયોજન અને યુક્રેન સામે રશિયન આક્રમણને સમાપ્ત કરવાની રીતો આવરી લેવામાં આવી હતી.
આ સિવાય ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ X પર લખ્યું કે પ્રિય ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રમ્પ, ઈતિહાસના સૌથી મોટા પુનરાગમન પર અભિનંદન. વ્હાઇટ હાઉસમાં તમારી ઐતિહાસિક વાપસી એ અમેરિકા માટે એક નવી શરૂઆત છે. આ ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના મહાન જોડાણનું શક્તિશાળી પ્રતીક છે. આ એક મોટી જીત છે.
પીએમ મોદીએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું, મારા મિત્રને તમારી ઐતિહાસિક ચૂંટણી જીત પર હાર્દિક અભિનંદન. હું ભારત-અમેરિકાની વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા આતુર છું. આવો આપણે આપણા લોકોની સુખાકારી માટે અને વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરીએ.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે અભિનંદન પાઠવ્યા
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કરીને લખ્યું કે બીજા કાર્યકાળ માટે ઐતિહાસિક જીત પર અભિનંદન. હું પાકિસ્તાન-યુએસ સંબંધોને વધુ મજબૂત અને વ્યાપક ભાગીદારીમાં બનાવવા માટે આવનારા વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવા આતુર છું.