04 December, 2024 06:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના બાદ ફરી દુનિયામાં બ્લીડિંગ આઇ વાઇરસનો ખતરો ઊભો થયો છે. આફ્રિકામાં આ વાઇરસથી થતા માલબર્ગ રોગને કારણે ૧૫ દરદીનાં મોત થયાં છે. યુનાઇટેડ કિંગડમ (UK) અને આફ્રિકા જતા ટ્રાવેલરો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. એ સિવાય મન્કીપૉક્સ અને ઓરોપાઉચના કેસ પણ ઘણા આફ્રિકન અને સાઉથ અમેરિકન દેશોમાં વધી રહ્યા છે. એથી ઇન્ટરનૅશનલ ટ્રાવેલ કરતા પ્રવાસીઓમાં ભય ફેલાયો છે. બ્લીડિંગ આઇ વાઇરસ માણસો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
માલબર્ગ, મન્કીપૉક્સ અને ઓરોપાઉચનો ચેપ ૧૭ દેશોમાં ફેલાયો છે. આમાંથી માલબર્ગ અથવા તો બ્લીડિંગ આઇ વાઇરસથી આફ્રિકન દેશ રવાન્ડામાં ૧૫ વ્યક્તિનાં મોત થયાં છે. આ દેશમાં સેંકડો લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે. આ મુદ્દે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કહ્યું છે કે આ ચેપથી મરવાની શક્યતા ૫૦ ટકા જેટલી છે જે ઘણી વધારે કહી શકાય. માલબર્ગનાં લક્ષણોમાં એ એવા લોકોના શરીરમાં નજરે પડ્યો છે જેમણે લાંબા સમય સુધી ખાણ કે એવા સ્થળે પ્રવાસ કર્યો હોય જ્યાં ચામાચીડિયાની વસ્તી હોય. આ વાઇરસ કપાયેલી ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મોઢું, નાક કે આંખમાં ચેપ ફેલાવે છે. એ ચેપી હોવાથી એ દરદીના સંપર્કમાં આવનાર દરેકને એનો ચેપ લાગે છે. બેથી વીસ દિવસમાં આ રોગનાં લક્ષણ દેખાય છે જેમાં માથું દુખવું, શરીરમાં થાક લાગવો, નબળાઈ, આંતરિક બ્લીડિંગ, ઝાડા થઈ જવા વગેરેનો સમાવેશ છે.
બીજી તરફ આફ્રિકાના બુરુંડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ડેમોક્રૅટિક રિપબ્લિક ઑફ કૉન્ગો, ગેબોન, યુગાન્ડા અને કેન્યામાં મન્કીપૉક્સના કેસ વધ્યા છે. UKમાં એના પાંચ કેસ નોંધાયા છે. મન્કીપૉક્સ ચેપી રોગ છે અને ઝડપથી ફેલાય છે. ચેપને ફેલાતો રોકવા માટે આવા દરદીથી દૂર રહેવા, વારંવાર હાથ ધોવા અને હાથને સૅનિટાઇઝ કરવા જણાવવામાં આવ્યું છે. ઓરોપાઉચનો ચેપ સાઉથ અમેરિકન અને ટૂરિસ્ટ ફ્રેન્ડ્લી કૅરિબિયન દેશોમાં ફેલાયો છે. બ્રાઝિલ, બોલિવિયા, કોલમ્બિયા, ક્યુબા, એક્વાડોર, ગયાના, પનામા અને પેરુમાં ૧૦,૦૦૦ લોકોને આ ચેપ લાગ્યો છે.