13 December, 2022 11:06 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેહરાન : ઈરાનમાં સરકારની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરનારાઓને જાહેરમાં ફાંસી આપવાનો વધુ એક મામલો બહાર આવ્યો છે. મજિદરેજા રહનવાર્દ નામના એક યુવકને જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. મજિદરેજા પર ૧૭મી નવેમ્બરે હિજાબ વિરોધી પ્રદર્શન દરમ્યાન બે સુરક્ષાકર્મીઓ પર છરાથી હુમલો કરીને હત્યા કરવાના અને અન્ય ચાર જણને ઈજા પહોંચાડવાનો આરોપ હતો. વિરોધ બદલ અવાજ ઉઠાવવાના આરોપસર એક અઠવાડિયામાં આ બીજી વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. આ પહેલાં મોહસિન શેખરીને ગુરુવારે ફાંસીની સજા આપવામાં
આવી હતી.
ઍક્ટિવિસ્ટ્સે ચેતવણી આપી છે કે ઓછામાં ઓછા ડઝનેક લોકોને પહેલાં જ બંધબારણે સુનાવણીમાં મોતની સજા આપવામાં આવી છે. ઈરાનમાં હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ્સ અનુસાર સપ્ટેમ્બરના મધ્યમાં સરકારની વિરુદ્ધમાં વિરોધ-પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારથી ઓછામાં ઓછી ૪૮૮ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. ઑથોરિટીઝ દ્વારા ૧૮,૨૦૦ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.