17 December, 2024 09:11 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ગોળીબારની પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાંથી ભયાવહ ઘટના (Wisconsin School Firing) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંની એક સ્કૂલમાં ગોળીબાર થયો છે. વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ગોળીબાર થતાં જ બે લોકોના મોત નિપજ્યાં છે.
બે લોકોના મોત- અનેક લોકો થયા ઘાયલ
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર જે લોકોના મોત (Wisconsin School Firing) થયા છે તેમાં એક ટીચર તેમ જ એક સ્ટુડન્ટનો સમાવેશ થાય છે. આ ગોળીબાર ‘એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન નામની સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. બે લોકોના મોત ઉપરાંત આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
આ ગોળીબાર એવી સ્કૂલમાં થયો છે જ્યાં લગભગ 390 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા હતા. બપોરના સમયે ચાલુ સ્કૂલ દરમિયાન આ ઘટના બનતા જ જાનહાનિ થઈ છે.
૧૭ વર્ષની છોકરીએ કર્યો ગોળીબાર?
એક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે જે ગોળીબારની ઘટના સામે આવી છે તેને અંજામ આપનાર 17 વર્ષની સ્ટુડન્ટ જ છે, પોલીસ સૂત્રોનું કહેવું છે કે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો હુમલાખોરનું પણ મોત થઈ ગયું હતું.
તમને જણાવી દઈએ કે પહેલા તો પોલીસે આ ઘટના (Wisconsin School Firing)માં કુલ પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી આપી હતી. આજનો દિવસ માત્ર મેડિસન માટે જ નહીં પરંતુ આખા અમેરિકા માટે દુઃખદ દિવસ ગણી શકાય. જે જે લોકોની હાલત ગંભીર છે તે તમામ લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે.
હજી સુધી આ ગોળીબારની ઘટના પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. જોકે, ઘટનાસ્થળેથી પોસ્ટ કરાયેલા વીડિયોમાં પોલીસ ઉપરાંત એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ નજરે ચઢે છે. આ ઘટના બનતા જ રેસ્ક્યૂ ટીમનાં સભ્યો પણ દોડીને આવ્યા હતા. પણ, અત્યારસુધી આ ઘટનાનું કારણ સામે આવ્યું નથી.
જો બાઈડને આ ઘટનાને આઘાતજનક અને અવિવેકી ગણાવીને વ્યક્ત કર્યો શોક
આ દુર્ઘટના (Wisconsin School Firing) બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓએ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, “મેડિસન, વિસ્કોન્સિનમાં જે પરિવારો એબ્યુડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં માર્યા ગયા છે અને જે લોકો ઘાયલ થયા છે તે સૌ પ્રત્યે શોક વ્યક્ત કરીએ છીએ. આ ખૂબ જ આઘાતજનક અને અવિવેકી ઘટના બની. અમારે કોંગ્રેસની કાર્યવાહી કરવાની જરૂર છે.”
આ ઘટના જે સ્કૂલમાં બની છે ત્યાં મેટલ ડિટેક્ટર હતા કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે, શું આ સ્કૂલમાં સ્ટુડન્ટ્ની સલામતી માટે ધ્યાન આપવામાં આવ્યું હતું કે નહીં તે તપાસનો વિષય છે.
આ વર્ષ દરમિયાન જ આ પ્રકારની 322 ઘટનાઓ બની હોવાની માહિતી મળી છે. ગયા વર્ષે 349 કેસ સામે આવ્યા હતા. દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધતી હોઈ લોકોમાં ભયનો માહોલ જન્મ્યો છે.