01 January, 2023 09:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન : દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. જોકે એનું ખરું ચિત્ર મળી રહ્યું નથી, કેમ કે દેશો કેસના આંકડાઓને છુપાવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચીનના અધિકારીઓને કોરોનાના કેસ વિશે રેગ્યુલરલી રિયલ ટાઇમ ઇન્ફર્મેશન આપવા માટે જણાવ્યું છે. યુકેએ આ પહેલાં જ જાહેર કર્યું હતું કે એ આ મહિનાની શરૂઆતથી ડેટા જાહેર કરવાનું બંધ કરશે.
નોંધપાત્ર છે કે ચીન, અમેરિકા, જપાન અને બીજા અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે એક્સપર્ટ્સ વધુ નવાં વેરિઅન્ટ્સથી દુનિયાને ખતરો હોવાની ચેતવણી આપી રહ્યા છે. આવો જ એક વેરિઅન્ટ XBB.1.5 છે, જે અત્યારે સમગ્ર અમેરિકામાં ફેલાઈ રહ્યો છે, ખાસ કરીને ન્યુ યૉર્ક અને ન્યુ ઇંગ્લૅન્ડ પ્રદેશમાં.
ટોચના એપિડમિયોલૉજિસ્ટ એરિક ફીગલ-ડિંગે ટ્વીટ્સની એક સીરિઝમાં જણાવ્યું હતું કે XBB.1.5 વેરિઅન્ટથી ખૂબ ખતરો છે. ઓમાઇક્રોનના આ પહેલાંનાં વેરિઅન્ટ XBB અને BQ કરતાં આ વેરિઅન્ટ વધારે ચેપી છે. એટલું જ નહીં, એ વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમથી પણ છટકી શકે છે.
તેમણે વધુ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં ન આવેલા ડેટા સૂચવે છે કે અમેરિકામાં સુપર વેરિઅન્ટ XBB.1.5ના કેસમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ન્યુ યૉર્ક અને ન્યુ ઇંગ્લૅન્ડમાં હવે હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ પણ વધ્યું છે. આ પહેલાંનાં વેરિઅન્ટ્સની સરખામણીમાં XBB.1.5નો ઇન્ફેક્શન રેટ ખૂબ વધારે છે.
ફીગલ-ડિંગે જણાવ્યું છે કે ડેટા પરથી ખ્યાલ આવે છે કે XBB.1.5 વેરિઅન્ટ કોરોનાના સબવેરિઅન્ટ BQ.1 કરતાં ૧૨૦ ટકા વધારે ઝડપી છે. નોંધપાત્ર છે કે સબવેરિઅન્ટ BQ.1 આ પહેલાં સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ હતો. ફીગલ-ડિંગે કહ્યું હતું અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને XBB.1.5 વેરિઅન્ટ વિશે અઠવાડિયાથી ડેટા છુપાવ્યો છે.
આ એક્સપર્ટે એમ પણ જણાવ્યું હતું કે આ વેરિઅન્ટનું મૂળ અમેરિકા હોવાની શક્યતા વધારે છે અને સૌપ્રથમ ઑક્ટોબરની આસપાસ ન્યુ યૉર્કમાં એના કેસ આવ્યા હતા.
હવે ફ્રાન્સ અને બ્રિટને ચીનના ટ્રાવેલર્સ માટે નિયંત્રણો મૂક્યાં
ચીનથી આવનારા ટ્રાવેલર્સ માટે ફરજિયાત કોવિડ ટેસ્ટનો નિયમ બનાવનારા દેશોના લિસ્ટમાં હવે ફ્રાન્સ અને બ્રિટન પણ શુક્રવારે સામેલ થઈ ગયા હતા. સ્પેન, સાઉથ કોરિયા અને ઇઝરાયલે પણ તાજેતરમાં જણાવ્યું હતું કે ટ્રાવેલર્સે ચીન છોડતાં પહેલાં કરાવવામાં આવેલી ટેસ્ટમાં નેગેટિવ રિઝલ્ટનો પુરાવો આપવાનો રહેશે.