અમેરિકાએ એલિયન્સની શક્યતાને ફગાવી દીધી

15 February, 2023 12:05 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાએ શંકાસ્પદ સ્પાય બલૂનમાંથી મહત્ત્વનાં સેન્સર્સને મેળવ્યાં

સાઉથ કૅરોલિનાના કાંઠેથી શંકાસ્પદ સ્પાય બલૂનને રિકવર કરવામાં આવ્યું હતું.

વૉશિંગ્ટન: ઉત્તર અમેરિકાના આકાશમાં આ મહિનામાં કેટલાક ‘યુએફઓ’ (અનઆઇડે​ન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ)ને તોડી પાડવામાં આવતાં લોકોના મનમાં અનેક સવાલો જાગ્યા છે. હવે એના જવાબ આપવાની કોશિશમાં વાઇટ હાઉસે સોમવારે જણાવ્યું હતું કે એલિયન્સ કે બીજા કોઈ ગ્રહ પરથી કોઈની ઍક્ટિવિટી વિશે કોઈ જ સંકેત મળ્યા નથી.

વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કૅરિન જીન-પિયરે કહ્યું હતું કે ‘હું જાણું છું કે આ બાબતે અનેક સવાલો અને ચિંતા છે, પરંતુ તાજેતરમાં આકાશમાં જે કેટલીક વસ્તુઓને તોડી પાડવામાં આવી છે એ મામલે એલિયન્સ કે પરગ્રહની કોઈ વસ્તુના કોઈ સંકેત નથી.’

વાસ્તવમાં અમેરિકન ઍર ફોર્સના એક જનરલે રવિવારે જણાવ્યું હતું કે તેઓ હાલના સમયે એલિયન્સ કે બીજા કોઈ પણ ખુલાસાને નકારશે નહીં. જેના પછી અમેરિકાના આકાશમાં ખરેખર એલિયન-યુએફઓ જોવા મળ્યા હોવાની શક્યતાને લઈને દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો.

આ પણ વાંચો: અમેરિકાએ વધુ એક ‘યુએફઓ’ને ઉડાવ્યો

દરમ્યાન અમેરિકાએ જણાવ્યું હતું કે એણે જે શંકાસ્પદ ચાઇનીઝ સ્પાય બલૂનને તોડી પાડ્યું હતું એમાંથી મહત્ત્વનાં સેન્સર્સ મળ્યાં છે. આ ચાઇનીઝ બલૂન અમેરિકાના આકાશમાં એક અઠવાડિયા સુધી રહ્યું હતું.

અમેરિકન મિલિટરીના નૉર્ધન કમાન્ડરે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ક્રૂએ સાઇટ પરથી નોંધપાત્ર કાટમાળ રિકવર કર્યો છે, જેમાં બલૂનના સ્ટ્રક્ચરનો મોટો ભાગ અને એની સાથે પ્રાયોરિટી સેન્સર અને ઇલેક્ટ્રૉનિક્સ પીસીસ પણ સામેલ છે.’

ચોથી ફેબ્રુઆરીએ આ બલૂનને તોડી પાડવામાં આવ્યું એના પછી ઉત્તર અમેરિકાની ઍરસ્પેસમાં ઊડતી ત્રણ શંકાસ્પદ વસ્તુઓને તોડી પાડવામાં આવી હતી.

united states of america international news washington joe biden white house china