તમે ક્રાન્તિકારીને મારી શકો છો, ક્રાન્તિને નહીં

10 October, 2024 02:38 PM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

દિલ્હીસ્થિત લેબૅનનના રાજદૂતે હિઝબુલ્લાના સંદર્ભમાં મહાત્મા ગાંધીને ટાંકીને કહ્યું કે…

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને ખતમ કરવા માટે લેબૅનન પર ચોતરફથી આક્રમણ કરી હિઝબુલ્લાના વડા હસન નસરુલ્લાહ સહિતના કમાન્ડરોનો ખાતમો કર્યો છે ત્યારે દિલ્હીમાં લેબૅનનના રાજદૂત રબી નાર્સે ઇઝરાયલના આ હુમલાઓને રોકવા માટે ભારત સમક્ષ વિનંતી કરી છે અને મહાત્મા ગાંધીને ટાંકીને કહ્યું છે કે તમે ક્રાન્તિકારીને મારી શકો છો, પણ ક્રાન્તિને નહીં. તેમણે માગણી કરી છે કે ભારતે ઇઝરાયલને આ યુદ્ધ રોકવા દબાણ કરવું જોઈએ, ઇઝરાયલે આંતરરાષ્ટ્રીય કાયદા અને યુનાઇટેડ નેશન્સના ઠરાવો મુજબ વર્તન કરવું જોઈએ.

મને મહાત્મા ગાંધીના શબ્દો યાદ આવે છે એમ જણાવતાં રાજદૂતે કહ્યું હતું કે ‘બાપુ કહેતા હતા કે તમે એક ક્રાન્તિકારીને મારી શકો, પણ એના વિચાર અને ક્રાન્તિને નહીં. તમે હિઝબુલ્લાના ટોચના કમાન્ડરોને મારી શકો, પણ તમે હિઝબુલ્લાને ખતમ ન કરી શકો, કારણ કે એ ગ્રાઉન્ડ પર કામ કરે છે. આ કોઈ કાલ્પનિક સ્ટ્રક્ચર નથી અને લેબૅનનમાં પૅરૅશૂટથી છોડવામાં આવ્યું નથી. એ ઇઝરાયલ જેવા દુશ્મન સામે લડી રહ્યું છે.’

શું છે હિઝબુલ્લા?
યાદ રહે કે ૧૯૮૫માં લેબૅનન પર ઇઝરાયલના આક્રમણને ખાળવા માટે હિઝબુલ્લાની સ્થાપના થઈ હતી. એ લેબૅનનની રાજકીય સિસ્ટમ સાથે રહીને કામ કરે છે અને એ રાજકીય પાર્ટી છે અને કૅબિનેટ અને સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે. એની આર્મ વિંગ પણ છે.

ઇઝરાયલના હુમલા બાદ ૨૧૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે, ૧૧,૦૦૦ લોકો ઘાયલ થયા છે અને બાવીસ લાખ લોકો ઘરવિહોણા થયા છે. લેબૅનનમાં મોટી ખુવારી થઈ છે.

international news world news israel hamas mahatma gandhi