30 September, 2024 08:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇઝરાયલમાં હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહને ટાર્ગેટ કરતું ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે.
લેબૅનનની રાજધાનીમાં ઇઝરાયલ દ્વારા કરાયેલી ઍર-સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહનો ખાતમો થયા બાદ ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાકચીએ ઇઝરાયલને ચેતવણી આપતાં કહ્યું હતું કે અમે હસન નસરુલ્લાહના મોતનો બદલો લીધા વગર નહીં રહીએ. ઇઝરાયલના આ હુમલાથી હિઝબુલ્લા ઑર મજબૂત થશે. હવે હિઝબુલ્લાની તાકાતની કોઈ સીમા નથી.
ઈરાનના વિદેશપ્રધાને વધુમાં કહ્યું કે ‘નસરુલ્લાહનું મૃત્યુ હિઝબુલ્લા માટે ઘણી મોટી ક્ષતિ છે. ભૂતકાળમાં હિઝબુલ્લાના જનરલ સેક્રેટરી સૈયદ અબ્બાસ અલ મુસાવીના મૃત્યુ બાદ હિઝબુલ્લાની તાકાત નસરુલ્લાહે વધારી હતી એમ એની તાકાતની હવે કોઈ સીમા નહીં રહે. હવે ગાઝા અને લેબૅનનમાં ઇઝરાયલનું કોઈ ભવિષ્ય નહીં રહે. અમે માનીએ છીએ કે અમેરિકા પણ આ ગુનામાં સરખું ભાગીદાર છે.
ઈરાને બોલાવી યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠક
યુનાઇટેડ નેશન્સમાં ઈરાનના રાજદૂત આમિર સઈદ ઇરાવનીએ શનિવારે યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલની બેઠક બોલાવવાની માગણી કરી હતી. એ માટે તેમણે ૧૫ સભ્યો ધરાવતી સમિતિને પત્ર લખ્યો હતો. એમાં તેમણે જણાવ્યું હતું કે ‘લેબૅનન અને આખા વિસ્તારમાં ઇઝરાયલની કાર્યવાહીના મુદ્દે બેઠક બોલાવવામાં આવે. અમે આ પરિસરમાં હિંસાના મૂળભૂત સિદ્ધાંતોના ઉલ્લંઘનમાં કોઈ પણ હુમલા સામે ચેતવણી આપીએ છીએ અને દોહરાવીએ છીએ કે આ પ્રકારની આક્રમકતાની પુનરાવૃત્તિને અમે સાંખી નહીં લઈએ. ઈરાન એના મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય અને સુરક્ષાનાં હિતોની રક્ષા કરવા માટે કોઈ પણ પગલું લેતાં આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આપવામાં આવેલા અધિકારોનો પ્રયોગ કરવામાં સંકોચ નહીં રાખે.’
નસરુલ્લાહ પર હુમલો કરવાની માહિતી ઇઝરાયલે અમેરિકાને પણ આપી નહોતી
ઇઝરાયલે લેબૅનનની રાજધાની બૈરુતમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહને ઠાર કરવા હુમલો કર્યો એની આગોતરી જાણકારી અમેરિકાને નહોતી. આ મુદ્દે પેન્ટાગૉનના પ્રવક્તા સેબ્રિના સિંહે જણાવ્યું હતું કે અમેરિકાને આ હુમલાની કોઈ ઍડ્વાન્સ જાણકારી આપવામાં આવી નહોતી. અમેરિકા આ ઑપરેશનમાં સામેલ નહોતું. આ મુદ્દે ઇઝરાયલના સંરક્ષણપ્રધાન યોલ ગૅલન્ટે અમેરિકાના સંરક્ષણપ્રધાન લૉઇડ ઑસ્ટિન સાથે વાતચીત કરી હતી, પણ પેન્ટાગૉનના પ્રવક્તાએ એ બે નેતાઓ વચ્ચે શું વાત થઈ હતી એની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
ઈરાનના જાસૂસે નસરુલ્લાહના લોકેશનની માહિતી આપી હતી
ઇઝરાયલે બૈરુત પર ઍર-સ્ટ્રાઇક કરી એના થોડા કલાક પહેલાં ઈરાનના જાસૂસે હિઝબુલ્લાના ચીફ નસરુલ્લાહના લોકેશનની માહિતી ઇઝરાયલને આપી હતી એમ ફ્રાન્સના એક ન્યુઝપેપરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈરાનના જાસૂસે જણાવ્યું હતું કે નસરુલ્લાહ બૈરુતમાં હિઝબુલ્લાના મુખ્યાલયના અન્ડરગ્રાઉન્ડમાં તેના ટોચના કમાન્ડરો સાથે બેઠક કરવાનો છે. આ માહિતી મળ્યા બાદ ઇઝરાયલે ઍર-સ્ટ્રાઇક કરી હતી.
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને કહ્યું, પીડિતોને ન્યાય મળ્યો છે
ઇઝરાયલે કરેલી ઍર-સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહનું મૃત્યુ થયા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે પીડિતોને ન્યાય મળ્યો છે. બાઇડને એક નિવેદનમાં કહ્યું કે ચાર દસકાના આતંકના શાસનનો અંત આવ્યો છે. ૨૦૨૩માં ૭ ઑક્ટોબરે હમાસે ઇઝરાયલીઓના નરસંહારથી આ હિંસાની શરૂઆત કરી હતી. નસરુલ્લાહને નિશાન એટલા માટે બનાવવામાં આવ્યો હતો, કારણ કે હુમલાના બીજા દિવસે નસરુલ્લાહે હમાસ સાથે હાથ મિલાવ્યા હતા અને ઇઝરાયલ પર નૉર્થ સાઇડથી હુમલા કરવાનો દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય લીધો હતો. નસરુલ્લાહના નેતૃત્વમાં હિઝબુલ્લા હજારો અમેરિકનોનાં મોત માટે પણ જવાબદાર હતો. આ તમામ પીડિતોને હવે ન્યાય મળ્યો છે.
નસરુલ્લાહના મોતની કહાની, અમેરિકામાં બેસીને નેતન્યાહુએ આપ્યું ગ્રીન સિગ્નલ
લેબૅનનની રાજધાનીમાં ઍર-સ્ટ્રાઇકમાં ઠાર થયેલા હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહના ખાતમાની જાણકારી હવે મળી રહી છે. અન્ડરગ્રાઉન્ડમાં બેઠક કરી રહેલા નસરુલ્લાહને ઠાર કરવા માટે તખતો ગોઠવાઈ ગયા બાદ યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બ્લીમાં હાજરી આપવા અમેરિકા પહોંચેલા ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેઓ ઇઝરાયલ ઍર-ફોર્સના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હોવાની એક તસવીર વાઇરલ થઈ છે.
આ નિશાન પાર પાડવા માટે મહિનાઓથી નજર રાખવામાં આવી હતી અને નસરુલ્લાહના ખાતમા માટે મહિનાઓથી રણનીતિ ઘડવામાં આવી હતી. ઈરાનના જાસૂસે ચોક્કસ માહિતી આપી એ પછી હુમલાનો પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને આ માહિતી મળી એ પછી અમેરિકાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નેતન્યાહુને માહિતી મોકલવામાં આવી અને તેમના ગ્રીન સિગ્નલ બાદ ઇઝરાયલ ઍર-ફોર્સનાં ૨૦૦ ફાઇટર વિમાનોએ બૈરુત શહેરમાં માનવવસ્તીની વચ્ચે હિઝબુલ્લાનાં ઠેકાણાં પર સચોટ નિશાન સાધીને બૉમ્બ વરસાવ્યા હતા.
ઇઝરાયલે ૬૦ ફુટ ઊંડા બંકરમાં ટોચના કમાન્ડરો સાથે બેઠક કરી રહેલા નસરુલ્લાહને મારવા માટે ઇઝરાયલે ૮૦ ટનનો બૉમ્બ ઝીંક્યો હતો. ૮૦ ટનનો બૉમ્બ જ્યારે વરસ્યો ત્યારે એનો ધડાકો ૨૦ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બંકરમાંથી કોઈ પણ પ્રકારની ઈજા વગરનો નસરુલ્લાહનો મૃતદેહ મળી આવ્યો હતો. બૉમ્બસ્ફોટ બાદ થયેલા ટ્રૉમાને કારણે તેનું મૃત્યુ થયાનું કહેવાય છે.