પાંચ સંસ્થાઓને રેકૉર્ડબ્રેકિંગ ૫.૩ અબજ ડૉલરના બર્કશર હૅથવેના શૅર દાનમાં આપ્યા વૉરન બફેટે

30 June, 2024 01:08 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વૉરન બફેટ ૨૦૦૬થી આ સંસ્થાઓને વાર્ષિક ડોનેશન આપે છે અને આ વર્ષે તેમણે સૌથી મોટું દાન આપ્યું છે.

વૉરન બફેટ

અબજોપતિ રોકાણકાર વૉરન બફેટે પોતાના વિલમાં સુધારો કરીને પાંચ સંસ્થાઓને બર્કશર હૅથવેના ૫.૩ અબજ ડૉલરના શૅર દાનમાં આપ્યા છે જે રેકૉર્ડબ્રેકિંગ છે. આમાં બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનો પણ સમાવેશ છે. વૉરન બફેટ ૨૦૦૬થી આ સંસ્થાઓને વાર્ષિક ડોનેશન આપે છે અને આ વર્ષે તેમણે સૌથી મોટું દાન આપ્યું છે. ૨૦૨૧માં ગેટ્સ ફાઉન્ડેશનમાંથી રાજીનામું આપનારા વૉરન બફેટે કહ્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશન સહિત પાંચ સંસ્થાઓને તેઓ જીવે છે ત્યાં સુધી જ વાર્ષિક ડોનેશન મળશે. ઉલ્લેખનીય છે કે બફેટે ગેટ્સ ફાઉન્ડેશનને ૯.૯૩ મિલ્યન શૅર દાનમાં આપ્યા છે અને એકંદરે બર્કશરના ૪૩ અબજ ડૉલરથી વધુ શૅર આપ્યા છે. બર્કશર એ અંદાજે ૮૮૦ અબજ ડૉલરનો સમૂહ છે. વૉરન બફેટે અડધાથી વધુ સ્ટૉક આપી દીધા હોવા છતાં તેમની પાસે હજી પણ બર્કશરના ૧૪.૫ ટકા આઉટસ્ટૅન્ડિંગ શૅર છે. વૉરન બફેટે એવું પણ કહ્યું હતું કે તેમના મૃત્યુ બાદ તેમની બધી સંપત્તિ, જેની કિંમત ૧૩૦ અબજ ડૉલર છે એ નવા ચૅરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવશે. બફેટનાં ત્રણ બાળકો સુઝી, હોવી અને પીટર ભેગાં મળીને ઑર્ગેનાઇઝેશન ચલાવશે અને નિર્ણય લેશે.

life masala international news washington united states of america