લેબૅનનમાં પેજર બાદ વૉકી-ટૉકી અને ફોન-અટૅક

19 September, 2024 01:10 PM IST  |  Beirut | Gujarati Mid-day Correspondent

પ્રાથમિક રિપોર્ટ મુજબ આ હુમલામાં ત્રણનાં મોત થયાં, જ્યારે પેજર હુમલામાં અત્યાર સુધી નવ લોકોના જીવ ગયા અને ૨૮૦૦ થયા છે ઘાયલ : ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદ પર આ ઑપરેશન પાર પાડવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

લેબૅનનમાં પેજર અટૅકમાં નવ લોકોએ જાન ગુમાવ્યાના ૨૪ કલાકની અંદર જ હિઝબુલ્લાના ગઢ ગણાતા વિસ્તારોમાં ફરી એક વાર અટૅક થયો છે. જોકે આ વખતે વૉકી-ટૉકી અને ફોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે. પૂર્વ લેબૅનનમાં ઘણી જગ્યાએ પેજરની જેમ જ એકસાથે વૉકી-ટૉકી અને લૅન્ડલાઇન ફોનમાં ધડાકા થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં પ્રાથમિક રિપોર્ટ મુજબ ત્રણ જણનાં મૃત્યુ થયાં છે.

આ પહેલાં થયેલા પેજર અટૅકમાં ઘાયલ થયેલા ૨૮૦૦ લોકોમાંથી ૨૦૦ જણ સિરિયસ છે. લેબૅનનમાં ઈરાનના ઍમ્બૅસૅડર મોજતબા અમાની પણ આ પેજર હુમલામાં ઘાયલ થયા છે.  

અમુક મહિના પહેલાં હિઝબુલ્લાએ ઇમ્પોર્ટ કરેલા પેજરમાં ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે વિસ્ફોટક લગાવ્યા હોવાનો આરોપ લેબૅનનની સિક્યૉરિટી એજન્સીના ઑફિસરો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિદેશી ધરતી પર આ રીતે હુમલો કરવામાં મોસાદ માહિર છે.

પેજર અટૅક બાદ ઈરાનના પીઠબળથી લડી રહેલા હિઝબુલ્લાએ કહ્યું હતું કે ઇઝરાયલે શસ્ત્રો જે જગ્યાએ રાખ્યાં છે ત્યાં અમે રૉકેટ હુમલો કર્યો હતો.       

international news world news