29 November, 2024 09:31 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
વેન અજન સિરિપાન્યો
લેખક રૉબિન શર્માએ એક ફિક્શનલ બુક લખી હતી જેનું શીર્ષક હતું ‘ધ મૉન્ક હુ સોલ્ડ હિઝ ફરારી’. એમાં સફળ લૉયર જુલિયન મૅન્ટલની વાત આવે છે, જે તેનું ઘર અને ફરારી વેચીને આધ્યાત્મિક માર્ગ તરફ વળી જાય છે. બુકની વાત તો કાલ્પનિક હતી, પણ મલેશિયામાં આવી વાત બે દાયકા પહેલાં સાચી પડી હતી અને આ વાત હમણાં છાપે ચડી છે. આ વાત છે પપ્પાના અબજો રૂપિયાના સામ્રાજ્ય અને વૈભવી લાઇફસ્ટાઇલને ત્યાગીને સાધુ બની ગયેલા દીકરાની. મલેશિયાના ત્રીજા નંબરના શ્રીમંત બિઝનેસમૅન આનંદ ક્રિષ્નનનો ૧૮ વર્ષનો દીકરો વેન અજન સિરિપાન્યો બે દાયકા પહેલાં સંપત્તિનો ત્યાગ કરીને થાઈ-મલેશિયન બૌદ્ધ સાધુ બની ગયો હતો. છેલ્લાં ૨૦ વર્ષથી તે સાધુજીવન જીવી રહ્યો છે.
આનંદ ક્રિષ્નનને AK તરીકે પણ ઓળખવામાં આવે છે. મલેશિયામાં તેમની સંપત્તિ પાંચ અબજ બિલ્યન (આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા) છે. તેમના સામ્રાજ્યમાં ટેલિકમ્યુનિકેશન, સૅટેલાઇટ, મીડિયા, ઑઇલ ઍન્ડ ગૅસ અને રિયલ એસ્ટેટ સામેલ છે. તેઓ ઍરસેલ કંપનીના ભૂતપૂર્વ માલિક છે. આ કંપનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ધોનીની કૅપ્ટન્સીવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને સ્પૉન્સર કરી હતી.
વેન અજન સિરિપાન્યોની મમ્મી થાઇલૅન્ડના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. એકના એક દીકરાએ બૌદ્ધ સાધુ બનીને મઠમાં રહેવાનો નિર્ણય લીધો એનું મમ્મી-પપ્પા બન્નેએ સ્વાગત કર્યું હતું. AK ખુદ કટ્ટર બૌદ્ધ અને દાનવીર છે.
૧૮ વર્ષની ઉંમરે વેન અજન સિરિપાન્યો થાઇલૅન્ડમાં આવેલા એક એકાંત સ્થળે મોજ ખાતર ગયો હતો. જોકે ત્યાંના અનુભવે તેને કાયમ માટે દીક્ષા લેવા પ્રેર્યો હતો. હવે તે થાઇલૅન્ડ-મ્યાનમાર સીમા પરના મઠનો મઠાધીશ છે. તે શા માટે ભિક્ષુ બન્યો એની જાણકારી મળતી નથી, પણ હાલમાં તે એક સાધારણ જીવન જીવે છે અને ક્યારેક ભિક્ષા પણ માગે છે.
વેન અજન સિરિપાન્યોનું પાલનપોષણ યુનાઇટેડ કિંગડમમાં તેની બે બહેનો સાથે જ થયું હતું. તેને પપ્પાની સંપત્તિના વારસદાર તરીકે તૈયાર કરવામાં આવ્યો હતો. તેનું બાળપણ લંડનમાં વીત્યું છે અને ત્યાં જ તેણે અભ્યાસ કર્યો હતો. તે આઠ ભાષાઓમાં પારંગત છે અને જરૂર પડ્યે અંગ્રેજી, થાઈ અને તામિલ ભાષા પણ બોલે છે. અલગ-અલગ સંસ્કૃતિમાં ઉછેર થયો હોવાથી તેને બૌદ્ધ ધર્મ વિશે વધારે લગાવ થયો હોવાનું માનવામાં આવે છે.
પરિવાર પ્રત્યે પ્રેમ
બૌદ્ધ ધર્મમાં પરિવાર પ્રત્યેના પ્રેમને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. તે ભિક્ષુ તરીકે રહે છે, પણ જરૂર પડ્યે પોતાની જૂની જીવનશૈલીમાં આવે છે. પપ્પાને મળવા માટે તે સમય કાઢે છે અને ક્યારેક પ્રાઇવેટ પ્લેનમાં વૈભવી યાત્રા પણ કરે છે. પપ્પાને ઇટલીમાં મળવા તે પ્રાઇવેટ પ્લેનમાં ગયો હતો.