17 February, 2023 10:42 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન : યુક્રેન પર યુદ્ધ કરવા બદલ રશિયા પર અનેક આકરા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જોકે રશિયા વિરુદ્ધ લૅટસ્ટ ઍક્શનથી ‘બૅડ ઇફેક્ટ’ પડશે, કેમ કે રશિયાને વાયેગ્રા ટૅબ્લેટ્સની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે.
આ ઇરેક્ટાઇલ ડિસફન્ક્શન પિલની બ્રૅન્ડની માલિકી ધરાવતી અમેરિકન ગ્લોબલ ફાર્માસ્યુટિકલ્સ ઍન્ડ હેલ્થકૅર કૉર્પોરેશન વાયટ્રિસે રશિયાને સપ્લાય અટકાવી દીધી છે. આ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના નિર્ણયની રશિયાને જાણ કરવામાં આવી છે.
રશિયાના ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ મંત્રાલયે જણાવ્યું હતું કે ‘વાયટ્રિસ એલએલસીએ ટૅબ્લેટના સ્વરૂપમાં વાયેગ્રા ડ્રગની સપ્લાયને અટકાવી દેવાના નિર્ણયની અમને જાણ કરી છે.’ રશિયન મંત્રાલયે આ દેશના પુરુષો માટે બિલકુલ એવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ ધરાવતી દવાનું ઘરેલું ઉત્પાદન કરવાનો સંકલ્પ કર્યો હતો. મંત્રાલયે ભારપૂર્વક કહ્યું હતું કે એના માટે ઑલરેડી કામગીરી ચાલી રહી છે.
નોંધપાત્ર છે કે સંયુક્ત રાષ્ટ્રનાં રાજદૂત પ્રમિલા પેટ્ટેને આ પહેલાં જણાવ્યું હતું કે યુક્રેનની મહિલાઓ પર બળાત્કાર કરવા માટે રશિયા એના સૈનિકોને વાયેગ્રા આપી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના સેક્સ્યુઅલ વાયોલન્સ મામલે વિશેષ પ્રતિનિધિએ કહ્યું હતું કે ‘જ્યારે તમે મહિલાઓની પીડા સાંભળો તો ખ્યાલ આવે કે રશિયન સૈનિકોને વાયેગ્રા આપવામાં આવી છે. એ સ્પષ્ટપણે એક મિલિટરી સ્ટ્રૅટેજી છે.’