30 December, 2022 12:11 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
અમેરિકામાં બાવીસમી ડિસેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં લગભગ ૪૮,૦૦૦ બાળકો કોરોના પૉઝિટિવ આવ્યાં છે. અમેરિકન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ (એએપી) અને ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અસોસિએશનના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સતત ત્રીજા અઠવાડિયામાં બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૧.૫૨ કરોડ બાળકો કોરોનાથી સંક્રમિત થયાં છે. છેલ્લાં ચાર અઠવાડિયાંમાં લગભગ ૧.૬૫ લાખ કેસનો ઉમેરો થયો છે.
આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે નવા વેરિઅન્ટ્સ અને એની સાથેસાથે સંભવિત લાંબા ગાળાની અસરોના સંબંધમાં બીમારીની તીવ્રતાનો અંદાજ મેળવવા માટે એજને સંબંધિત ડેટા વધારે કલેક્ટ કરવાની જરૂર છે.
આ રિપોર્ટમાં બાળકોના આરોગ્ય પર મહામારીની તાત્કાલિક અસરોની ઓળખ કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ એની સાથે લાંબા સમયની અસરોને દૂર કરવા પગલાં લેવાની જરૂર પર પણ ભાર મુકાયો છે.