યુદ્ધના માહોલ વચ્ચે અચાનક યુક્રેન પહોંચ્યા જો બાઇડન

21 February, 2023 11:05 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

રાજધાની કીવમાં હવાઈ હુમલાની સાયરન સતત વાગતી રહી : અમેરિકાના રાષ્ટ્રપતિએ વ્લોદિમીર ઝેલેન્સ્કીને ૫૦૦ મિલ્યન ડૉલરની સહાયની ઘોષણા કરી

કીવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી.

કીવ  (આઇ.એ.એન.એસ.) :  રશિયા અને યુક્રેનના યુદ્ધને એક વર્ષ પૂરું થવા આડે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કીવની અચાનક જ મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ યુક્રેનના પ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા. સોશ્યલ મીડિયાની પોસ્ટમાં બન્ને નેતાઓના ફોટો પોસ્ટ કરી લખ્યું હતું કે બાઇડનની અચાનક મુલાકાત તમામ યુક્રેનવાસીઓને તેમના ટેકાની ખાતરી આપતું અત્યંત મહત્ત્વનું ચિહ્‍‍ન છે. બાઇડન પોલૅન્ડના રાષ્ટ્રપતિ ઍન્ડ્રેજ ડુડાને મળવા જવાના હતા ત્યારે તેમણે યુક્રેનની ઓચિંતી મુલાકાત લીધી હતી. કોઈને પણ આની માહિતી આપવામાં આવી નહોતી. બાઇડને યુક્રેનને ૫૦૦ મિલ્યન ડૉલર (અંદાજે ૪૧ અબજ રૂપિયા)ની સહાયની ઘોષણા કરી હતી. આ ઉપરાંત રશિયા સામે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના તમામ સહકારની ખાતરી આપી હતી. 

 યુક્રેનની રાજધાની કીવમાં ગઈ કાલે સવારથી જ કોઈ અગત્યના મહેમાન આવવાની અફવા ઊડી રહી હતી. હવાઈ હુમલાઓની સાઇરન સતત વગાડવામાં આવતી હતી.  અમેરિકાએ એક વર્ષ પહેલાં જ ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર આક્રમણ કરીને એને પોતાનામાં સમાવી લેશે. બાઇડને કહ્યું કે ‘એક વર્ષ થવા છતાં કીવ અડીખમ છે, યુક્રેન અડીખમ છે, અહીંની લોકશાહી અડીખમ છે. અમેરિકા તમારી સાથે છે, સમગ્ર દુનિયા તમારી સાથે છે.’ 

હુમલાથી બચવા ટ્રેનમાં ગયા 

બાઇડનની આ મુલાકાતને ઘણી ગુપ્ત રાખવામાં આવી હતી. તેમની સાથે રહેલા ટીવી-ચૅનલના પત્રકારોને પણ આ વાતની ખબર નહોતી. એનાં બે કારણ હતાં. રશિયા યુક્રેનના રહેવાસી વિસ્તારોમાં પણ બૉમ્બ નાખી રહ્યું હતું. આ એક ઍક્ટિવ વૉર ઝોન હતો. વળી અમેરિકાના અધિકારીઓને રશિયા પર ભરોસો નહોતો. બાઇડન પોતાના સ્પેશ્યલ વિમાન મારફત પહેલાં પોલૅન્ડ ગયા હતા, જ્યાં તેઓ પોલૅન્ડમાં રાષ્ટ્રપતિને મળ્યા હતા. આ મુલાકાત એક કલાક સુધી ચાલી હતી. ત્યાર બાદ તેઓ પોલૅન્ડના સ્થાનિક સમય મુજબ સવારે ૭ વાગ્યે વારસા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી એક કલાક સુધીની ટ્રેનની મુસાફરી કરીને કીવ પહોંચ્યા હતા. બાઇડન જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે ૬ વખત યુક્રેન ગયા હતા. 

international news ukraine russia joe biden united states of america