ટ્રમ્પની વધતી મુસીબતો : અમેરિકન પોલીસ અલર્ટ

22 March, 2023 11:28 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૉર્નસ્ટારના મામલા બાદ વિદેશી નેતાઓ પાસેથી મળેલી ગિફ્ટ્સ છુપાવવાના કારણે પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર

અમેરિકન સિટીમાં પોલીસ અલર્ટ મોડમાં છે, કેમ કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડની પૂરેપૂરી શક્યતા છે. એને લીધે એવી સ્થિતિમાં તેમના સમર્થકો તોફાન મચાવી શકે છે. મૅનહટનની અદાલતમાં કદાચ ટ્રમ્પ વિરુદ્ધ તેમની સાથેના અફેર વિશે ચૂપ રહેવા માટે એક પૉર્નસ્ટારને રૂપિયા ચૂકવવાના મામલે આરોપ ઘડવામાં આવી શકે છે, જે અમેરિકાના કોઈ ભૂતપૂર્વ પ્રેસિડન્ટની વિરુદ્ધ ઘડવામાં આવેલો પહેલો ક્રિમિનલ કેસ હશે. 

ડોનાલ્ડ ટ્રમ્પ સામે વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે. તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની જેમ વિદેશમાંથી મળેલી ગિફ્ટ્સની જાણકારી ઍડ્મિનિસ્ટ્રેશનને આપી નથી. પાર્ટી ડેમોક્રેટિક કૉન્ગ્રેશનલ કમિટીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે પોતાના પરિવારને વિદેશી નેતાઓ પાસેથી મળેલા અઢી લાખ ડૉલર (લગભગ ૨.૦૬ કરોડ રૂપિયા)ની ગિફ્ટ્સ વિશે જાણકારી આપી નથી. આ ગિફ્ટ્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિતના ભારતીય નેતાઓ પાસેથી મળેલી ૪૭,૦૦૦ ડૉલર (૩૮.૮૫ લાખ રૂપિયા)ની ગિફ્ટ્સ પણ સામેલ છે. 

international news united states of america washington donald trump