08 November, 2024 07:55 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટપદે ફરી ચૂંટાઈ આવેલા ડોનલ્ડ ટ્રમ્પે ડેમોક્રૅટ્સના ગઢ સમાન બ્લુ વૉલ ગણાતાં ૧૮ રાજ્યોમાં સારો દેખાવ કર્યો છે અને તેથી તેઓ ૨૦૧૬ની જેમ વિજય મેળવી શક્યા છે. આ રાજ્યો ૧૯૯૨થી સતત ડેમોક્રૅટ્સના ગઢ સમાન હતાં, પણ ૨૦૧૬માં પહેલી વાર ટ્રમ્પે એમાં ગાબડાં પાડ્યાં હતાં. તેમણે પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિનમાં જીત મેળવી હતી અને ફરી આ વખતે તેઓ એને સર કરવામાં સફળ રહ્યા છે.
શું છે બ્લુ વૉલ?
ડેમોક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર અને વાઇસ-પ્રેસિડન્ટ કમલા હૅરિસે એ ૧૮ રાજ્યો પર સૌથી વધારે ફોકસ રાખ્યું હતું જે બ્લુ વૉલ ગણાય છે. એમાં ૧૮ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાનો સમાવેશ છે. દશકોથી આ રાજ્યો ડેમોક્રૅટિક પાર્ટીને જ મત આપતાં રહે છે. ૨૦૧૬માં આમાંનાં ત્રણ રાજ્યો પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિનમાં ટ્રમ્પે વિજય મેળવ્યો હતો અને સાથે સત્તા હાંસલ કરી હતી. ૨૦૨૦માં જો બાઇડને એ રાજ્યોમાં વિજય મેળવીને વાઇટ હાઉસમાં પ્રવેશ કર્યો હતો. જે ૧૮ રાજ્યોની વાત છે એ છે કૅલિફોર્નિયા, ન્યુ યૉર્ક, ઇલિનોઇ, પેન્સિલ્વેનિયા, ન્યુ જર્સી, મૅસેચુસેટ્સ, મિશિગન, વૉશિંગ્ટન, વિસ્કૉન્સિન, મૅરીલૅન્ડ, મિનેસોટા, કનેક્ટિકટ, ઑરેગૉન, મેને, હવાઈ, ડેલાવેર, રોડ આઇલૅન્ડ અને વર્મોન્ટ.
અમેરિકાનાં ૫૦ રાજ્યોમાં આ ૧૮ રાજ્યો ડેમોક્રૅટિક પાર્ટીને જ મત આપતાં હોય છે અને એ દેશના પૂર્વ અને પશ્ચિમી તટો પર સ્થિત છે. તેઓ ૨૩૮ ઇલેક્ટોરલ કૉલેજ વોટનું પ્રતિનિધિત્વ કરે છે અને એમાં કૅલિફૉર્નિયા અને ન્યુ યૉર્ક અનુક્રમે ૫૪ અને ૨૮ વોટ ધરાવે છે.
રિપબ્લિકન પાર્ટીના ગઢ
અમેરિકામાં દક્ષિણ ભાગ અને કેટલાંક આંતરિક રાજ્યો રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે. એમાં ટેક્સસ અને ફ્લૉરિડાને છોડીને બાકીનાં રાજ્યોમાં ઓછી વસ્તી છે અને તેઓ ૨૧૮ ઇલેક્ટોરલ કૉલેજ વોટ્સ ધરાવે છે. ટેક્સસના ૪૦ અને ફ્લૉરિડાના ૩૦ વોટ છે.