06 February, 2023 11:19 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સાઉથ કૅરોલિનાના કાંઠા નજીક ઍટ્લાન્ટિક મહાસાગરમાં પડતા વિશાળ બલૂનના અવશેષો અને એની નીચેથી પસાર થઈ રહેલું ફાઇટર જેટ.
વૉશિંગ્ટન : અમેરિકાએ આખરે વિશાળ ચાઇનીઝ બલૂનને તોડી પાડ્યું છે. જે સમગ્ર અમેરિકામાં મહત્ત્વની મિલિટરી સાઇટ્સની જાસૂસી કરી રહ્યું હતું. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને જણાવ્યું હતું કે શંકાસ્પદ ચાઇનીઝ સ્પાય બલૂનને શનિવારે પૂર્વ કાંઠે તોડી પાડવાનું મિશન સફળ રહ્યું છે. તેમણે શક્ય એટલા વહેલા આ બલૂનને તોડી પાડવા સંરક્ષણ વિભાગને આદેશ આપ્યો હતો.
સંરક્ષણ વિભાગે કન્ફર્મ કર્યું હતું કે એના ફાઇટર જેટ્સે અમેરિકન જળક્ષેત્રની ઉપર બલૂનને તોડી પાડ્યું હતું.
ચીને એક તો જાસૂસી કરવાની કોશિશ કરી અને જ્યારે એના બલૂનને તોડી પાડવામાં આવ્યું તો એની સામે સખત વાંધો ઉઠાવ્યો. ચીનના વિદેશ મંત્રાલયે ‘સિવિલિયન માનવરહિત ઍરક્રાફ્ટ’ પર હુમલો કરવા માટે અમેરિકા દ્વારા ફોર્સના ઉપયોગ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, ચીને ખરાબ પરિણામની અમેરિકાને ચેતવણી પણ આપી હતી.
સંરક્ષણ અધિકારીઓએ આ બલૂનને ટ્રૅક કરવામાં આવી રહ્યું હોવાની ગુરુવારે જાહેરાત કરી ત્યારથી અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન પર આ બલૂનને તોડી પાડવાનું પ્રેશર હતું.
આ પણ વાંચો : એક બલૂન માટે અમેરિકાએ કેમ ફાઇટર જેટ્સ રેડી પોઝિશન પર રાખવાં પડ્યાં?
૩.૨૮ કરોડના મિસાઇલથી અટૅક
અમેરિકાએ ચીનના સ્પાય બલૂનને આકાશમાં તોડી પાડવા માટે એઈમ-9એક્સ સાઇડવિન્ડર મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેની કિંમત લગભગ ચાર લાખ ડૉલર (અંદાજે ૩.૨૮ કરોડ રૂપિયા) છે. અમેરિકાની આ મિસાઇલ હવાથી હવામાં પ્રહાર કરતી ઍડ્વાન્સ મિસાઇલ છે, જેને અમેરિકન આર્મ્સ કંપની રેથિયૉને વિકસિત કરી છે. એક રિપોર્ટ અનુસાર આ મિસાઇલનો ઉપયોગ અમેરિકન ઍર ફોર્સ અને નૌકાદળ કરે છે. આ મિસાઇલ પોતાના ટાર્ગેટને નષ્ટ કરવા માટે ઇન્ફ્રારેડ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે. સૌથી મજેદાર વાત એ છે કે આ અમેરિકન મિસાઇલનો દુનિયાભરના ૨૪ દેશોની નેવી ઉપયોગ કરે છે. નાટોના સભ્ય દેશો સિવાય અમેરિકાના ખાસ મિત્ર દેશોને જ આ મિસાઇલ આપવામાં આવે છે.
આ રીતે તોડી પાડ્યું બલૂન
અમેરિકન ટીવી ચૅનલ્સ પર ફુટેજ બતાવાયું હતું કે કેવી રીતે નાનકડા વિસ્ફોટ બાદ આ બલૂન દરિયામાં પડ્યું હતું. એક એફ-22 ફાઇટર જેટે મિસાઇલ એઇમ-9એક્સ સાઇડવિન્ડરથી ખૂબ જ ઊંચાઈએ ઊડતા આ બલૂનને તોડી પાડ્યું હતું. એ અમેરિકાના કાંઠાથી છ નૉટિકલ માઇલ્સના અંતરે તૂટીને પડ્યું હતું.
સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો પોસ્ટ કરનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે આ બલૂન તૂટીને સફેદ ધુમાડામાં ફેરવાઈ ગયું હોય એમ જણાતું હતું અને એના અવશેષો સીધા જ ઍટલાન્ટિક મહાસાગરમાં પડ્યા હતા.
સંરક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઉથ કેરોલિનાના મર્ટલ બીચની પાસે ૪૭ ફૂટ ઊંડા પાણીમાં કાટમાળ પડ્યો હતો.
આ ઘટનાના સાક્ષી હેલી વૉલ્શે જણાવ્યું હતું કે આ મિસાઇલને ફાયર કરવામાં આવી એના પહેલાં ત્રણ ફાઇટર જેટ્સ આ બલૂનની ગોળ-ગોળ ફરતાં અમે જોયાં હતાં, જેના પછી અમને મોટો ધમાકો સંભળાયો હતો.
એક સિનિયર મિલિટરી અધિકારીએ જણાવ્યું હતું કે કાટમાળને મેળવવાનું કામ ખૂબ સહેલું હશે. જેના માટે કદાચ ખૂબ ઓછો સમય લાગશે.
મિલિટરીએ સાત માઇલમાં ફેલાયેલા આ બલૂનના કાટમાળને મેળવવા માટે કોશિશ શરૂ કરી દીધી છે, જેથી આ બલૂન કેવા પ્રકારનો હતો અને એની પાછળ ચીનનો કયો હેતુ હતો એ સારી રીતે જાણી શકાય.