અમેરિકા સામૂહિક વિનાશનું નવું ખતરનાક હથિયાર વિકસાવી રહ્યું છે

12 February, 2023 08:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એકસાથે હજારોની સંખ્યામાં ડ્રોનને છોડવામાં આવશે, જે રડારને જૅમ કરવાથી લઈને હુમલો કરવા સુધીની મલ્ટિપલ કામગીરી કરશે

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન ઃ અમેરિકા ‘સામૂહિક વિનાશ’ માટેના એક નવા હથિયારને વિકસાવી રહ્યું છે, જેમાં જળ, જમીન અને હવામાંથી હજારો ડ્રોન દુશ્મન દેશોના ફોર્સિસ પર હુમલો કરશે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે માણસો આ હથિયારથી કન્ટ્રોલ ગુમાવી શકે છે. એવી સ્થિતિમાં શું પરિણામ આવશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

આ ટૉપ સીક્રેટ પ્રોજેક્ટને ‘AMASS’ (ઑટોનોમસ મલ્ટિ-ડોમેઇન ઍડપ્ટિવ સ્વાર્મ્સ ઑફ સ્વાર્મ્સ’ ‌નામ આપવામાં આવ્યું છે, જે ઑટોમેટેડ હથિયારોને એક નવા સ્તરે લઈ જશે.

આ પ્રોજેક્ટ અત્યારે એકદમ શરૂઆતના તબક્કે છે. જોકે ડિફેન્સ ઍડ્વાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી ૭.૮૦ કરોડ ડૉલર (૬૪૪ કરોડ રૂપિયા)ના કૉન્ટ્રૅક્ટ માટે સપ્લાયર્સ પાસેથી બિડ્સ મગાવી રહી છે.

નેવિગેશન અને કમ્યુનિકેશન તેમ જ રડારને જૅમ કરવાથી લઈને ઘાતક હુમલા કરવા સુધીની ક્ષમતા માટે હથિયારો અને ટુલ્સથી નાના ડ્રોનને સજ્જ કરવામાં આવશે. 
વર્જિનિયામાં જ્યૉર્જ મૅસન યુનિવર્સિટીના પૉલિસી ફેલો ઝેકરી કૅલનબોર્ને કહ્યું હતું કે ‘જેમ આ હથિયારમાં ડ્રોનની સંખ્યા ખૂબ જ વધી જશે ત્યારે એને મૅનેજ કરવા માણસો માટે મુશ્કેલ થઈ જશે.’ નિષ્ણાતો અનુસાર આ હથિયારનું કદ વધતું જશે ત્યારે માણસો માટે નિર્ણયો લેવા મુશ્કેલ રહેશે, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી નિર્ણયો લેવામાં મદદ મળશે. 

international news united states of america washington