ડોનલ્ડ ટ્રમ્પને કોર્ટનો ઝટકો, બર્થરાઇટ સિટિઝનશિપ પરના પ્રતિબંધ પર ૧૪ દિવસનો સ્ટે

25 January, 2025 01:40 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ફેડરલ કોર્ટના જજે કહ્યું કે આ આદેશ ગેરબંધારણીય, ૪૦ વર્ષમાં આવું જોયું નથી : ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે આ સ્ટે ટેમ્પરરી છે, આદેશનો અમલ ૧૯ ફેબ્રુઆરીથી લાગુ થવાનો છે

ડોનલ્ડ ટ્રમ્પ

જન્મ સાથે અમેરિકાની નાગરિકતા આપવાના કાયદાને રદ કરનારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ઝટકો લાગ્યો છે અને અમેરિકાની ફેડરલ કોર્ટે ડોનલ્ડ ટ્રમ્પે સત્તા ગ્રહણ કર્યા બાદ ૨૦ જાન્યુઆરીએ આપેલા આ સંદર્ભના આદેશ પર ૧૪ દિવસની ટેમ્પરરી રોક લગાવી દીધી છે.

કોણે કરી અરજી?
ફેડરલ કોર્ટમાં ડેમોક્રેટિક પાર્ટીશાસિત ચાર રાજ્યો વૉશિંગ્ટન, ઑરિઝોના, ઇલિનૉઇ અને ઓરેગને આ આદેશનો વિરોધ કર્યો હતો અને એના અમલીકરણને રોકવાની માગણી કરી હતી.

શું કહ્યું જજે?
સીએટલમાં આવેલી ફેડરલ કોર્ટના ૮૪ વર્ષના ડિ​સ્ટ્રિક્ટ જજ જૉન કફનરે ૧૪ દિવસ માટે આ આદેશ પર સ્ટે આપ્યો છે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને જેમને ૧૯૮૧માં નિયુક્ત કર્યા હતા એવા જજ કફનરે કહ્યું હતું કે આ આદેશ ગેરબંધારણીય છે.

અમેરિકાના જ​સ્ટિસ ડિપાર્ટમેન્ટના ડિફેન્સ વકીલે આ આદેશનો બચાવ કર્યો ત્યારે તેઓ ઊકળી ઊઠ્યા હતા અને કહ્યું હતું કે ‘મને એ સમજવામાં પરેશાની થઈ રહી છે કે કાનૂની ક્ષેત્રનો કોઈ પણ પ્રોફેશનલ કેવી રીતે કહી શકે કે આ આદેશ બંધારણીય છે? મારું તો દિમાગ ચકરાવે ચડી ગયું છે. હું ચાર દશકથી આ બેન્ચ પર છું. મને એવો બીજો કોઈ કેસ યાદ નથી જ્યાં સવાલ આ કેસ જેટલો સ્પષ્ટ હોય. આ તદ્દન ગેરબંધારણીય આદેશ છે.’

ટ્રમ્પ સરકારે શું દલીલ કરી?
ટ્રમ્પ પ્રશાસન વતી વૉશિંગ્ટન રાજ્યના સહાયક ઍટર્ની જનરલે કહ્યું હતું કે ‘આ આદેશ હેઠળ હવે જે બાળકો પેદા થવાનાં છે તેમના પર આ કાયદો લાગુ થશે. આદેશના અમલીકરણ બાદ જન્મ લેનારાં બાળકોને સોશ્યલ સિક્યૉરિટી નંબર આપવામાં નહીં આવે. તેઓ મોટાં થશે ત્યારે તેમને સરકારી લાભ કે નોકરીમાં તકો આપવામાં નહીં આવે.’ 
જ​સ્ટિસ ડિપાર્ટમેન્ટના વકીલે તર્ક આપ્યો હતો કે ડોનલ્ડ ટ્રમ્પની કાર્યવાહી બંધારણીય છે અને એના પર ટેમ્પરરી સ્ટે આપવાની કાર્યવાહી થાય તો એ ગેરબંધારણીય છે. જોકે આ બન્ને તેમની વાત પૂરી કરે એ પહેલાં જજ કફનરે આ આદેશના અમલીકરણ પર ટેમ્પરરી સ્ટે આપી દીધો હતો.
ટ્રમ્પ પ્રશાસનના વકીલોએ કહ્યું હતું કે સ્ટે ૧૪ દિવસ માટે મળ્યો છે, પણ આ આદેશનું અમલીકરણ ૧૯ ફેબ્રુઆરીથી થવાનું છે.

રિપબ્લિકન સંસદસભ્યો સંસદમાં બિલ રજૂ કરશે
ડોનલ્ડ ટ્રમ્પના આદેશને કોર્ટે સ્ટે આપ્યો હોવાથી બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના ૩૬ સંસદસભ્યોએ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ સંદર્ભનું બિલ રજૂ કરી જન્મથી અમેરિકાની નાગરિકતા આપવાના કાયદાને બદલવાની તૈયારી કરી છે. 

international news donald trump united states of america world news