09 February, 2023 10:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૉશિંગ્ટનઃ અમેરિકા અને ચીનના સંબંધો હવે સ્પાય બલૂનને કારણે વણસ્યા છે. જોકે અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ હતા એ સમયે અમેરિકાના આકાશ પરથી ઓછામાં ઓછાં ત્રણ ચાઇનીઝ સ્પાય બલૂન્સ ઊડ્યાં હતાં.
અમેરિકન જનરલ ગ્લેન વૅનહેર્કે જણાવ્યું હતું કે અમેરિકા એ સમયે બલૂન્સને ડિટેક્ટ નહોતું કરી શક્યું. ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ અને ન્યુઝ એજન્સી બ્લૂમબર્ગ અનુસાર એ વખતે શરૂઆતમાં કદાચ એ બલૂન્સને યુએફઓ ગણી લેવામાં આવ્યાં હતાં.
જનરલ વૅનહેર્કે કહ્યું હતું કે ‘એ સમયે મિલિટરી ઇન્ટેલિજન્સમાં ગૅપ હતો. નૉર્થ અમેરિકામાં જોખમને શોધી કાઢવાની મારી જવાબદારી છે. હું તમને કહું છું કે અમે એ ખતરાને નહોતા ડિટેક્ટ કરી શક્યા.’
ચીન ભારત અને જપાન સહિત અનેક દેશોને ટાર્ગેટ કરીને સ્પાય બલૂન્સના એક મોટા કાફલાને ઑપરેટ કરી રહ્યું છે. અમેરિકન મિલિટરીએ દેશનાં સંવેદનશીલ સ્થળો પરથી ઊડી રહેલા એક ચાઇનીઝ સ્પાય બલૂનને તોડી પાડ્યું એના પછી આ હકીકત બહાર આવી છે. અમેરિકન અધિકારીઓએ ભારત સહિત મિત્ર દેશોને ચાઇનીઝ સ્પાય બલૂન મળી આવ્યું હોવા વિશે જાણકારી પૂરી પાડી હતી.
‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘ચીનના દક્ષિણ કાંઠે હૈનન પ્રાંતમાંથી બલૂન દ્વારા જાસૂસી કરવાની કામગીરીનું અનેક વર્ષોથી સંચાલન થઈ રહ્યું છે. ભારત, જપાન, વિયેટનામ, તાઇવાન અને ફિલિપીન્સ સહિત જેમનો ચીનની સાથે વિવાદ ચાલી રહ્યો છે એવા દેશોમાં તેમ જ વ્યૂહાત્મક રીતે હિત ધરાવતા વિસ્તારોમાં મિલિટરી સંસ્થાનોની માહિતી મેળવવામાં આવી છે.’ આ રિપોર્ટ સંરક્ષણ અને ઇન્ટેલિજન્સ એજન્સીના અનેક અધિકારીઓએ નામ ન આપવાની શરતે આપેલી જાણકારી પર આધારિત છે.
ગયા અઠવાડિયે એક બલૂનને ટ્રૅક કરીને તોડી પાડવામાં આવ્યું એના સિવાય તાજેતરનાં વર્ષોમાં હવાઈ, ફ્લૉરિડા, ટેક્સસ અને ગુઆમમાં ઓછામાં ઓછાં ચાર બલૂન્સ જોવાં મળ્યાં છે.