અમેરિકામાં માત્ર ત્રણ વીકમાં જાહેરમાં અંધાધૂંધ ગોળીબારની ૩૮ ઘટનાઓ

25 January, 2023 10:19 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સોમવારે ગોળીબારની ત્રણ અલગ-અલગ ઘટનામાં ૯ વ્યક્તિનાં મૃત્યુ

કૅલિફૉર્નિયામાં સોમવારે જાહેરમાં અંધાધૂંધ ગોળીબારના સ્થળે સૅન મેટીઓ કાઉન્ટી પોલીસ. તસવીર એ.એફ.પી.

વૉશિંગ્ટન : અમેરિકામાં સોમવારે ગોળીબારની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા નવ જણનાં મોત નીપજ્યાં હતાં. જેના પહેલાં કૅલિફૉર્નિયામાં એક બૉલરૂમ ડાન્સ હૉલમાં શનિવારે અંધાધૂંધ ગોળીબારમાં અગિયાર જણનાં મોત નીપજ્યાં હતાં. સૅન ફ્રાન્સિસ્કોમાં એક ટ્રકિંગ ફર્મ અને એક મશરૂમ ફાર્મ ખાતે એકબીજાને સંબંધિત ગોળીબારની બે ઘટનામાં સાત જણનાં મોત થયાં હતાં, જ્યારે આઇવાના સિટી ડેમોઇન્સમાં થયેલા ગોળીબારમાં બે ટીનેજ સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં. અમેરિકામાં માત્ર છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં જાહેરમાં ગોળીબારની ૩૮ ઘટનાઓ બની છે.

સેન મેટિયો કાઉન્ટી બોર્ડ ઑફ સુપરવાઇઝર્સના પ્રેસિડન્ટ ડેવ પાઇને કહ્યું હતું કે ફાર્મ ખાતે ચાર જણ, જ્યારે ટ્રકિંગ ફર્મ ખાતે ત્રણ જણનાં મોત થયાં હતાં. એક શંકાસ્પદને ઝડપી લેવામાં આવ્યો છે.

હજી સુધી એ સ્પષ્ટ નથી કે આ બન્ને લોકેશન્સનું એકબીજા સાથે શું કનેક્શન છે. 

કૅલિફૉર્નિયા સ્ટેટના સેનેટેર જોશ બેકરે કહ્યું હતું કે લોકો અલગ-અલગ ગોળીબારમાં માર્યા ગયા છે.

દરમ્યાનમાં આઇવાના ડેમોઇન્સમાં એક વૈકલ્પિક એજ્યુકેશનલ પ્રોગ્રામ ખાતે ટાર્ગેટેડ શૂટિંગમાં બે ટીનેજ સ્ટુડન્ટ્સનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.
અહીં સ્ટાર્ટ્સ રાઇટ નામના આ એજ્યુકેશનલ પ્રોગ્રામ ખાતે ગોળીબાર બાદ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : US Firing: કેલિફોર્નિયામાં અંધાધૂંધ ફાયરિંગની બે મોટી ઘટનાઓ, નવ લોકોના મોત

39.30

અમેરિકામાં ખાનગી માલિકીનાં આટલા કરોડ હથિયાર છે. સ્વિટ્ઝરલૅન્ડ સ્થિત સ્મૉલ આર્મ્સ સર્વે અનુસાર દર ૧૦૦ અમેરિકનો દીઠ ૧૨૦ ગન છે.

 અમેરિકન કૉન્ગ્રેસે સેમી ઑટોમૅટિક ગન, એકે-47 જેવાં હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે તેમ જ હથિયારો ખરીદવા માટેની મિનિમમ ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવા માટેનાં બિલ્સ પસાર કરવાં જોઈએ. અમેરિકાના બહુમતી લોકો આ કૉમન સેન્સ ઍક્શનથી સંમત છે. આપણાં બાળકો, આપણો સમાજ અને આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવાથી મોટી કોઈ જવાબદારી અમેરિકન કૉન્ગ્રેસની ન હોઈ શકે. - જો બાઇડન, અમેરિકન પ્રેસિડન્ટ

international news washington united states of america joe biden