26 March, 2023 09:03 AM IST | Jackson | Gujarati Mid-day Correspondent
મિસિસિપીના શારકી કાઉન્ટીમાં શુક્રવારે રાતે ભારે તોફાન બાદ વેરાયેલો વિનાશ.
અમેરિકન સ્ટેટ મિસિસિપીમાં શુક્રવારે રાત્રે આવેલા ચક્રવાત અને ભારે વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા ૨૪ જણનાં મૃત્યુ થયાં છે, જ્યારે ડઝનેક લોકોને ઈજા થઈ છે. સ્ટેટની ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે વાવાઝોડાએ ૧૬૦ કિલોમીટર સુધી વિનાશ વેર્યો છે. મિસિસિપી ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સીએ અનેક ટ્વીટ્સમાં માહિતી પૂરી પાડી હતી કે મિસિસિપીના સિલ્વર સિટી ટાઉનમાં ભારે વાવાઝોડા બાદ ચાર જણ મિસિંગ છે. કાટમાળ નીચે દટાયેલી વ્યક્તિઓને શોધવા અને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યુ ટીમ્સ સતત પ્રયાસ કરી રહી છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમ્સ ભારે વિનાશ બાદ રોલિંગ ફૉર્ક ટાઉનમાં પણ કામગીરી કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કમનસીબે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી શકે છે.
મિસિસિપીના રોલિંગ ફૉર્કમાં શુક્રવારે રાતે ચક્રવાત બાદ ચારેબાજુ વેરાયેલો વિનાશ.
અનેક ફોટોગ્રાફ્સમાં જોવા મળ્યું હતું કે આખેઆખી બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. કાર ઊથલી ગઈ છે. લોકો અંધારામાં કાટમાળ પર ઊભા પણ જોવા મળ્યા હતા. સિલ્વર સિટી અને રોલિંગ ફૉર્કમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે ૮.૫૦ વાગ્યે ચક્રવાત ત્રાટક્યું હતું, ત્યાંથી ચક્રવાત હાઇવે ૪૯ તરફ આગળ વધ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેમણે આવો વિનાશ કદી જોયો નથી.