12 January, 2023 11:08 AM IST | London | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
લંડનઃ લંડનના હીથ્રો ઍરપોર્ટ પર અનેક કિલો યુરેનિયમ જપ્ત કરવામાં આવતાં મોટા પાયે ઍન્ટિ-ટેરર ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરવામાં આવી છે. મિડલ-ઈસ્ટમાં ઓમાનથી આવેલી એક ફ્લાઇટમાં ૨૯મી ડિસેમ્બરે લવાયેલા આ અત્યંત ઘાતક ન્યુક્લિયર મટીરિયલથી વિનાશકારી બૉમ્બ બનાવાયો હોત. આ શિપમેન્ટ પર યુકેમાં ઈરાનના લોકોની એક કંપનીનું ઍડ્રેસ હતું. આ પૅકેજનું મૂળ પાકિસ્તાન છે. મસ્કતથી ઓમાન ઍરના પૅસેન્જર જેટમાં એ હીથ્રોના ટર્મિનલ-4માં લાવવામાં આવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ યુરેનિયમ ‘વેપન ગ્રેડ’નું નથી. એટલા માટે થર્મો-ન્યુક્લિયર વેપનના ઉત્પાદન માટે એનો ઉપયોગ કરી શકાય નહીં. જોકે સિક્યૉરિટી એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે આ યુરેનિયમમાંથી ‘ડર્ટી બૉમ્બ’ તરીકે જાણીતા ઇમ્પ્રોવાઇઝ્ડ ન્યુક્લિયર ડિવાઇસ બનાવવાનો હેતુ હતો કે નહીં.
વિસ્ફોટક સામગ્રી અને ન્યુક્લિયર મટીરિયલને કમ્બાઇન કરીને આવું ડિવાઇસ બનાવવામાં આવે તો એનાથી જીવલેણ રેડિયો-ઍક્ટિવ કિરણો ફેલાવાનો ખતરો રહે છે.
વાસ્તવમાં યુકેમાં રહેતા ઈરાનના લોકો ગેરકાયદે આવું ન્યુક્લિયર મટીરિયલ લાવીને એનાથી શું કરવા ઇચ્છતા હશે એને લઈને ખૂબ ચિંતા ફેલાઈ છે. આ પૅકેજની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને પકડવા માટે સિક્યૉરિટી એજન્સીઓ ખૂબ જ કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો : સ્પાઈસજેટે દિલ્હી એરપોર્ટ પર મુસાફરોને એરોબ્રિજમાં પૂરી દીધા, વીડિયો થયો વાયરલ
યુકેની ન્યુક્લિયર ડિફેન્સ રેજિમેન્ટના ભૂતપૂર્વ કમાન્ડર હેમિશ ડી બ્રેટ્ટન-ગૉર્ડને કહ્યું હતું કે ‘યુરેનિયમથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઝેરી રેડિયેશન ફેલાઈ શકે છે. આ યુરેનિયમનો ડર્ટી બૉમ્બ બનાવવા માટે ઉપયોગ કરાઈ શક્યો હોત. જોકે સારી બાબત એ છે કે સિસ્ટમ કામ કરી ગઈ અને એને જપ્ત કરાયું છે.’
પશ્ચિમી દેશોના ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર આ પહેલાં કેટલાક સાયન્ટિસ્ટ્સે આવાં વેપન્સ કેવી રીતે તૈયાર કરી શકાય એની માહિતી આતંકવાદી જૂથોને આપી હતી.
યુકેના હાઉસ ઑફ લૉર્ડ્ઝનાં મેમ્બર એલિઝા મન્નિંગહમ-બુલ્લેરે કહ્યું હતું કે ‘ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ પર આધારિત મારું તારણ છે કે કેમિકલ, બાયોલૉજિકલ, રેડિયોલૉજિકલ કે ન્યુક્લિયર અટૅકની વાસ્તવમાં સંભાવના છે. આવાં હથિયારોને તૈયાર કરવા માટે વ્યાપકપણે ટેક્નિકલ નૉલેજને કારણે કોઈ પશ્ચિમી શહેર પર કેમિકલ, બાયોલૉજિકલ, રેડિયોલૉજિકલ કે ન્યુક્લિયરના ક્રૂડ વર્ઝનથી હુમલો કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.’