05 May, 2023 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukrain War)ને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે બંને દેશોના સંબંધોમાં ખટાશ એટલી હદે વધી ગઈ છે કે બંને દેશના નાગરિકો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. તુર્કીમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં યુક્રેનનો એક સાંસદ રશિયાના પ્રતિનિધિ પર મુક્કા મારતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો યુક્રેનના પત્રકાર જેસન જે સ્માર્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા છે.
તુર્કીમાં ઘટના
નોંધનીય છે કે તુર્કીની રાજધાની અંકારામાં બ્લેક સી ઈકોનોમિક કોર્પોરેશન (PABSEC સમિટ)ની સંસદીય સભાની 61મી મહાસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાળો સમુદ્ર ક્ષેત્રના દેશો આ બેઠકમાં એકત્ર થયા છે અને દ્વિપક્ષીય, બહુપક્ષીય સંબંધો અને આર્થિક, તકનીકી અને સામાજિક સહયોગ વધારવા પર ચર્ચા કરી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિઓ પણ અંકારા પહોંચ્યા છે.
યુક્રેનના સાંસદ ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કીએ ગુરુવારે મીટિંગ દરમિયાન યુક્રેનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાનું શરૂ કર્યું. વીડિયોમાં જોવા મળે છે કે રશિયન પ્રતિનિધિએ યુક્રેનના સાંસદના હાથમાંથી ધ્વજ છીનવી લીધો હતો. યુક્રેનના સાંસદ આનાથી એટલા ગુસ્સામાં હતા કે તેમણે પ્રોટોકોલની અવગણના કરીને સ્થળ પર જ રશિયન પ્રતિનિધિ પર હુમલો કર્યો. યુક્રેનિયન સાંસદે રશિયન પ્રતિનિધિ પર મુક્કા અને થપ્પડ ફેંકી હતી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓ ત્યાં પહોંચ્યા અને બંનેને અલગ કર્યા.
આ પણ વાંચો: ભારત-રશિયાની રૂપે-મીર કાર્ડ્સમાં ચુકવણીની શક્યતા વિશે ચર્ચા થઈ
મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે રશિયન પ્રતિનિધિમંડળ એ જ બેઠકમાં બોલી રહ્યું હતું, ત્યારે યુક્રેનિયન પ્રતિનિધિમંડળના સભ્યોએ રશિયન પ્રતિનિધિના સંબોધનમાં વિક્ષેપ પાડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. યુક્રેનનો ધ્વજ પણ લહેરાવ્યો. આ પછી થોડા સમય માટે બેઠક સ્થગિત કરી દેવામાં આવી હતી. તુર્કીની ન્યૂઝ એજન્સીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.