રશિયાએ યુક્રેનનો ડૅમ વિસ્ફોટકથી ઉડાડ્યો

07 June, 2023 08:42 AM IST  |  Kyiv | Gujarati Mid-day Correspondent

આસપાસનાં અનેક ગામ તથા શહેરો પાણીમાં ગરકાવ

યુક્રેનના કાખોવકા હાઇડ્રોલિક પાવર પ્લાન્ટને વિસ્ફોટકથી ઉડાડાયા બાદ ખેરસન અને આસપાસના વિસ્તારોમાં આવેલું પૂર.

રશિયાયુક્રનના દ​ક્ષિણે આવેલા એક વિશાળ ડૅમ અને હાઇડ્રોલિક પ્લાન્ટને વિસ્ફોટકથી ઉડાડી ​દેતાં સમગ્ર વિસ્તારમાં ભયાનક પૂર આવ્યાં છે. લોકોએ પોતાનાં ઘરબાર છોડીને સલામત સ્થળે ચાલ્યા જવાની ફરજ પડી હતી. અનેક ગામ તથા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. યુક્રેનના ગૃહમંત્રાલયે ગઈ કાલે સવારે જણાવ્યું હતું કે વિસ્ફોટકથી ડૅમને ઉડાડી દેવાતાં નદીકિનારે વસેલાં ૧૦ ગામડાંના લોકોને તરત સલામત સ્થળે ચાલ્યા જવા જણાવાયું હતું. આગામી ૭૨ કલાક સુધી પાણીનો સ્તર વધશે. કેટલીક જગ્યાએ એ વધીને ૪૦ ફુટ થવાની શક્યતા છે. ખેરસન વિસ્તારમાં રહેતી એક વ્યક્તિએ કહ્યું કે ‘અહીં વસતા તમામ જીવો અને લોકો પર પૂરની અસર થશે. શહેરના કેટલાક વિસ્તારમાં પૂરનાં પાણીનો સ્તર વધીને ૯ ફુટ જેટલો થયો છે.’

યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું કે ૧૮ મિલ્યન ક્યુબિક મીટર પાણી આ ડૅમમાંથી વેડફાશે. શા માટે વિસ્ફોટ કરવામાં આવ્યા છે એનું કારણ સ્પષ્ટ નથી. યુક્રેને ગયા વર્ષે જ ચેતવણી આપી હતી કે રશિયાએ ડૅમમાં ખોદકામ કર્યું હતું અને અંદર વિસ્ફોટક મૂકવામાં આવ્યા હતા. ૧૦૦ જેટલાં ગામ અને નગરો પૂરમાં ડૂબશે એવી ચેતવણી અગાઉ આપવામાં આવી હતી.

યુક્રેને રશિયાને આતંકવાદી દેશ જાહેર કર્યોયુક્રેનના ડિપ્લોમેટે ગઈ કાલે રશિયાને આતંકવાદી દેશ જાહેર કર્યું હતું અને એની સામે યુનાઇટેડ નેશનની કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં જજને સંબોધિત કરતાં યુક્રેનના ઍન્ટોન કોરિનેવિચે રશિયાને વળતર ચૂકવવા પણ કહ્યું હતું. યુદ્ધભૂમિમાં રશિયા યુક્રેનને હરાવી શકે એમ ન હોવાથી નાગરિક વિસ્તારોમાં હુમલા કરી રહ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

russia ukraine international news