અમેરિકામાં તરવા જતાં બે ગુજરાતી સ્ટુડન્ટ્સનાં મૃત્યુ

24 April, 2023 12:36 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

૧૯ વર્ષનો સિદ્ધાંત શાહ અને ૨૦ વર્ષનો આર્યન વૈદ્ય ૧૫મી એપ્રિલે તેમના ફ્રેન્ડ્સના ગ્રુપ સાથે મનરો લેક ખાતે સ્વિમિંગ કરવા માટે ગયા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના ઇન્ડિયાના સ્ટેટમાં બે મૂળ ગુજરાતી સ્ટુડન્ટ્સ ગયા અઠવાડિયે એક લેકમાં સ્વિમિંગ કરવા ગયા હતા અને મિસિંગ થયા હતા. હવે લોકલ ઑથોરિટીઝે આ બન્ને મૃત્યુ પામ્યા હોવાનું કન્ફર્મ કર્યું છે. ૧૯ વર્ષનો સિદ્ધાંત શાહ અને ૨૦ વર્ષનો આર્યન વૈદ્ય ૧૫મી એપ્રિલે તેમના ફ્રેન્ડ્સના ગ્રુપ સાથે મનરો લેક ખાતે સ્વિમિંગ માટે ગયા હતા. જોકે તેઓ સ્વિમિંગ કરવા ગયા બાદ ફરી જોવા જ નહોતા મળ્યા. બે દિવસ સુધી લેકમાં ખૂબ જ શોધ કર્યા બાદ ડાઇવર્સે સપાટીથી ૧૮ ફૂટ નીચે તેમના મૃતદેહો શોધ્યા હતા. આ બન્ને સ્ટુડન્ટ્સ ઇન્ડિયા યુનિવર્સિટીની કેલ્લે સ્કૂલ ઑફ બિઝનેસમાં ભણતા હતા. 

ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ ઑફ નૅચરલ રિસોર્સિસના લેફ્ટનન્ટ એન્જેલા ગોલ્ડમૅને જણાવ્યું હતું કે શાહ અને વૈદ્ય ૧૫મી એપ્રિલે બોટમાં જઈ રહ્યા હતા. એ સમયે તેમના ગ્રુપે સ્વિમિંગ કરવા માટે બોટને રોકી. જોકે એ પછી આ બન્ને યંગસ્ટર્સ પાણીમાંથી બહાર જ નહોતા આવ્યા. ફ્રેન્ડ્સે તેમને મદદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ એમાં સફળ નહોતા રહ્યા. 

ડાઇવર્સે ભારે પવનોની વચ્ચે આખો દિવસ શોધ કરી હતી. એ લેકમાં ૧૫મી એપ્રિલે ખૂબ જ બોટ્સ હતી. જોકે બીજા બે દિવસ ખૂબ ઠંડીની સાથે વરસાદ અને પવનને કારણે લેકનું વાતાવરણ બદલાઈ ગયું હતું. ગોલ્ડમૅને કહ્યું હતું કે ૧૫થી ૨૦ માઇલ પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાવાને કારણે શોધ અભિયાનમાં અમને મુશ્કેલી થઈ રહી હતી. 

international news new york city united states of america