02 January, 2023 10:55 AM IST | San Francisco | Gujarati Mid-day Correspondent
ઈલોન મસ્ક (ફાઇલ તસવીર)
સૅન ફ્રાન્સિસ્કો : ટ્વિટરના માલિક ઇલૉન મસ્ક માટે વધુ કાયદાકીય મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આ કંપની સૅન ફ્રાન્સિસ્કોમાં એની ઑફિસનું ભાડું ન ચૂકવી શકી હોવાથી એની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. પ્રૉપર્ટીના માલિક અનુસાર આ સોશ્યલ મીડિયા કંપનીને ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ જણાવાયું હતું કે જો પાંચ દિવસમાં રેન્ટ ચૂકવવામાં નહીં આવે તો હાર્ટફૉર્ડ બિલ્ડિંગના ૩૦મા માળ માટેના લીઝના સંબંધમાં એ ડિફૉલ્ટર ગણાશે. સૅન ફ્રાન્સિસ્કોમાં સ્ટેટ કોર્ટમાં ગુરુવારે ટ્વિટરની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્વિટરે એના હેડક્વૉર્ટર્સ કે એની બીજી કોઈ પણ ગ્લોબલ ઑફિસ માટે ભાડું ચૂકવ્યું નથી. આ પહેલાં અમેરિકન મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા હતા કે ઇલૉન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યા બાદ ટ્વિટરે રેન્ટ ચૂકવવાનું બંધ કર્યું છે.
ટ્વિટરની વિરુદ્ધ આ પહેલાં પણ કેસ કરવામાં આવ્યા છે. આ પહેલાં બે ચાર્ટર ફ્લાઇટ્સ માટે ડૉલર ન ચૂકવવા બદલ કંપનીની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.