ટ‍્વિટરે હાઈ-પ્રોફાઇલ અકાઉન્ટ્સને બ્લુ ટિક પાછી આપી

24 April, 2023 12:32 PM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

ટ‍્વિટરના કો-ફાઉન્ડર જૅક ડોરસીના પ્રોફાઇલમાં હજી બ્લુ ટિક નથી, તેમના ૬૫ લાખ ફૉલોઅર્સ છે

પ્રતીકાત્મક તસવીર

ટ‍્વિટરે થોડા દિવસ પહેલાં તમામ અકાઉન્ટ્સ પરથી લેગસી બ્લુ ટિક હટાવી દીધી હતી. ટ્વિટરના બૉસ ઇલૉન મસ્કે જણાવ્યું હતું કે પેઇડ સબસ્ક્રિપ્શન ફીચર એટલે કે ટ‍્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કરનારા યુઝર્સ જ વૅરિફિકેશન બ્લુ ટિક લગાવી શકશે. ૨૦મી એપ્રિલે અનેક જાણીતી હસ્તીઓનાં ટ્વિટર અકાઉન્ટ્સ પરથી ટ‍્વિટરે વૅરિફિકેશન બેજ હટાવી દીધો હતો. હવે ટ‍્વિટરે દસ લાખથી વધારે ફૉલોઅર્સવાળા કેટલાક ટ‍્વિટર યુઝર્સને સબસ્ક્રાઇબ કર્યા વિના બ્લુ ટિક બેજ પાછો આપ્યો છે. બિયૉન્સે અને વિક્ટોરિયા બૅકહેમ સહિતની હસ્તીઓએ તેમની બ્લુ ટિક પાછી મેળવી છે. ઇલૉન મસ્ક દ્વારા ટ‍્વિટરને ખરીદવામાં આવ્યું એના પહેલાં બ્લુ ટિક વૅરિફિકેશન બેજ હતો જેને ટ‍્વિટર દ્વારા ફ્રીમાં આપવામાં આવતો હતો. 

જે બેઝિકલી ઑથે​ન્ટિકેશન માટેનું એક સાધન હતું. જેનાથી યુઝર્સ ફેક અકાઉન્ટ્સની ઓળખ કરી શકતા હતા. જેનાથી ખોટી માહિતી ન ફેલાય. હવે એ એવા અકાઉન્ટનો એક સિમ્બૉલ છે જેણે ટ‍્વિટર બ્લુ નામની પ્રીમિયમ સર્વિસનું સબસ્ક્રિપ્શન મેળવ્યું છે. 

ઓછામાં ઓછા દસ લાખ ટ્વિટર ફૉલોઅર્સ ધરાવતા અનેક યુઝર્સે ગઈ કાલે નોંધ્યું હતું કે ૨૦મી એપ્રિલ સુધી તેમની પાસે જે બ્લુ ટિક હતી એ તેમના અકાઉન્ટમાં પાછી આવી ગઈ છે. 
નોંધપાત્ર છે કે ટ‍્વિટરના કો-ફાઉન્ડર જૅક ડોરસીના પ્રોફાઇલમાં હજી બ્લુ ટિક નથી. તેમના ૬૫ લાખ ફૉલોઅર્સ છે.   

આ પહેલાં મસ્કે દાવો કર્યો હતો કે તેણે લેખક સ્ટીફન કિંગ, ઍક્ટર વિલિયમ શૅટનેર અને બાસ્કેટબૉલ પ્લેયર લેબ્રોન જેમ્સ વતી તેમણે પોતે સબસ્ક્રિપ્શન ચૂકવ્યું હતું. આ લોકોએ આ સ્કીમની ટીકા કરી હતી. 

ટ‍્વિટરે જણાવ્યું નથી કે કેટલા લોકોએ સબસ્ક્રાઇબ કરવાનું પસંદ કર્યું છે, પરંતુ એક રિપોર્ટ અનુસાર આ પ્લૅટફૉર્મ પર માર્ચ ૨૦૨૩માં લગભગ ૩,૮૬,૦૦૦ સબસ્ક્રાઇબર્સ હતા.

386000
ટ‍્વિટર પર માર્ચ ૨૦૨૩માં લગભગ આટલા સબસ્ક્રાઇબર્સ હતા

international news twitter elon musk san francisco